તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
રાષ્ટ્રપતિ ભવનમાં ‘હિટમેન’ની ગર્જના, રોહિત શર્માને મળ્યો પદ્મશ્રી: એવોર્ડ સ્વીકારતી વખતે બન્યો ૧૯ વર્ષ જૂનો એક અદ્ભુત અને ઐતિહાસિક સંયોગ!
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા પૂર્વ કેપ્ટન; કાળા સૂટમાં સજ્જ રોહિત માટે પત્ની રિતિકાની આંખો ખુશીથી છલકાઈ, પીએમ મોદીને નમન કરીને સ્વીકાર્યો એવોર્ડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અસંખ્ય યાદગાર ઇનિંગ્સ રમનારા અને કરોડો ચાહકોના દિલ પર રાજ કરનારા ‘હિટમેન’ રોહિત શર્માના નામે આજે વધુ એક સુવર્ણ સિદ્ધિ નોંધાઈ ગઈ છે. આજે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય અને ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોહિત શર્માને પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પદ્મ પુરસ્કારોના બીજા તબક્કામાં સન્માનિત થયેલી ૬૫ મહાન હસ્તીઓમાં ૩૯ વર્ષીય દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ખાસ પ્રસંગે હોકી સ્ટાર સવિતા પુનિયાને પણ પદ્મશ્રી અને ટેનિસના લેજેન્ડ વિજય અમૃતરાજને ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.
મે મહિનામાં રમાયેલી મેચો અને અંગત વ્યસ્તતાને કારણે રોહિત પુરસ્કાર સમારોહના પ્રથમ તબક્કામાં હાજર રહી શક્યા નહોતા, પરંતુ આજે તેઓ કાળા રંગના ક્લાસિક શૂટમાં પોતાની પત્ની રિતિકા સજદેહ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રોહિત શર્મા દેશનું આ સર્વોચ્ચ સન્માન લેવા માટે સ્ટેજ પર આગળ વધ્યા, ત્યારે તેમણે સન્માનપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમન કરીને તેમનું અભિવાદન કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા તેમના પત્ની રિતિકાના ચહેરા પર ગર્વ અને અપાર ખુશી સાફ ઝળકી રહી હતી.
૨૩ જૂન: રોહિતના જીવનનો સૌથી મોટો ડબલ ધમાકો સંયોગ
આજના આ સન્માન પાછળ કુદરતે પણ એક અદ્ભુત ૧૯ વર્ષ જૂનો સંયોગ ગોઠવ્યો હતો. રોહિત શર્માને જે દિવસે પદ્મશ્રી એવોર્ડ મળ્યો, બરાબર આજના જ દિવસે એટલે કે ૨૩ જૂન, ૨૦૦૭ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ભવ્ય ડેબ્યુ (પદાર્પણ) કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરવાના જ દિવસે દેશનું ચોથું સર્વોચ્ચ સન્માન મળવું એ રોહિતની શાનદાર સફરની સાબિતી છે. રોહિતના નેતૃત્વમાં ભારતે ૨૦૨૪માં ટી૨૦ વર્લ્ડ કપ જીતીને ૧૭ વર્ષના દુષ્કાળનો અંત આણ્યો હતો અને ત્યારબાદ ૨૦૨૫માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડીને ૧૫ વર્ષ પછી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. હાલમાં તેઓ ટેસ્ટ અને ટી૨૦માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને માત્ર વનડે (ODI) ક્રિકેટ રમે છે.
દિગ્ગજોની ખાસ એલીટ ક્લબમાં રોહિતની એન્ટ્રી
ભારત તરફથી ૬૭ ટેસ્ટ, ૨૮૫ વનડે અને ૧૫૯ ટી૨૦ મેચ રમીને ૨૦,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા રોહિત શર્મા હવે ક્રિકેટના મહાનાયકોની એક ખાસ એલિટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. વિશ્વ ક્રિકેટમાં વનડેમાં ત્રણ બેવડી સદી (Double Centuries) ફટકારનારા તેઓ એકમાત્ર બેટ્સમેન છે, તેમજ ઓપનર તરીકે ભારતના સૌથી સફળ (૧૬,૧૩૭ રન) ખેલાડી છે. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, એમ.એસ. ધોની અને વિરાટ કોહલી સહિત આશરે ૪૦ ક્રિકેટરોને જ આ સન્માન મળ્યું છે, જેમાં હવે રોહિતનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. રોહિત ઉપરાંત આજે સાઉથના સુપરસ્ટાર અભિનેતા મામૂટી, પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક અને અમેરિકન ઓન્કોલોજિસ્ટ દત્તાત્રેયુડુ નોરીને પણ દેશના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
