તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: યુપીના આગ્રાથી નવમો 'શાર્પ શૂટર' ઝડપાયો : અંડરવર્લ્ડ કનેક્શનનો પર્દાફાશ!
શુભમ લોંકર ગેંગના ઈશારે બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકને ડરાવવાનું કાવતરું : મુંબઈ પોલીસ અને UP STFએ સંયુક્ત ઓપરેશનમાં પ્રદીપ કુમારને દબોચ્યો : સોશિયલ મીડિયાના રવાડે ચડી ગુનાખોરીની દુનિયામાં જમાવ્યું હતું વર્ચસ્વ

મુંબઈ : બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાને ૧ ફેબ્રુઆરીના રોજ થયેલા ગોળીબારના કેસમાં તપાસ એજન્સીઓને વધુ એક મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આગ્રા-એટાહ રોડ પરથી પ્રદીપ કુમાર નામના આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલો આ નવમો આરોપી છે. એસપી રાકેશના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના ચોક્કસ વિશ્લેષણ બાદ આરોપીને બાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી પ્રદીપ કુમાર "શુભમ લોંકર ગેંગ" ની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી પ્રભાવિત થઈને ગુનાખોરીના રસ્તે ચડ્યો હતો. આ ગેંગનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્મ ઉદ્યોગમાં ભય ફેલાવી ખંડણી ઉઘરાવવાનો અને અંડરવર્લ્ડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો હતો. પ્રદીપે કબૂલાત કરી છે કે તેણે સની, દીપુ અને સોનુ જેવા ગુનેગારો સાથે મળીને અનેક ગુનાહિત કૃત્યોમાં ભાગ લીધો હતો. આ ધરપકડથી એ સ્પષ્ટ થયું છે કે નવી પેઢીના યુવાનો સોશિયલ મીડિયા પર ગ્લેમરાઈઝ કરાતા ગુનાખોરીના કન્ટેન્ટથી પ્રેરાઈને આવી ખતરનાક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
રોહિત શેટ્ટી પર થયેલા આ હુમલાએ ફરી એકવાર બોલિવૂડ હસ્તીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. આ પહેલા પોલીસે આ કેસમાં ગોલુ, દીપક અને વિષ્ણુ કુશવાહ સહિત આઠ શખ્સોને જેલ ભેગા કર્યા છે. શુભમ લોંકર ગેંગ જે રીતે સીધા જ ટોચના ફિલ્મ સર્જકોને નિશાન બનાવી રહી છે, તે પોલીસ માટે મોટો પડકાર છે. હાલમાં મુંબઈ પોલીસ આરોપી પ્રદીપને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવાની તૈયારી કરી રહી છે, જેથી આ કેસના મૂળ સુધી પહોંચી શકાય અને ગેંગના અન્ય માસ્ટરમાઈન્ડ વિશે વધુ વિગતો મેળવી શકાય.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
