<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

આપત્તિમાં પણ રોમાન્સ: ઇન્દોરમાં ભારે વરસાદથી લગ્નનો મંડપ બન્યો સ્વિમિંગ પૂલ, વરરાજાએ કન્યાને તેડીને લીધા સાત ફેરા, અનોખા લગ્નનો વીડિયો વાયરલ : જુઓ વિડિયો

મંડપમાં દોઢથી બે ફૂટ પાણી ભરાયું, આસપાસ તરતા રહ્યા જૂતા-ચંપલ; પૂરના પાણી વચ્ચે પણ પૂર્વા અને વૈભવે હસતા મુખે અનોખી શૈલીમાં પતાવી લગ્નની વિધિ

ઇન્દોર, તા.૦૭: કહેવાય છે ને કે જો દિલમાં સાચો પ્રેમ હોય તો કુદરતની મોટી આફત પણ નાની લાગે છે! આવો જ એક અદ્ભુત અને હૃદયસ્પર્શી નજારો મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અહીંના કેટ રોડ વિસ્તારમાં આવેલા એક મેરેજ ગાર્ડનમાં ૧.૫ થી ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લગ્નનો આખો મંડપ અને ડાઇનિંગ એરિયા પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. જોકે, આ આફત પણ વર-કન્યાના ઉત્સાહને તોડી શકી નહોતી. વરરાજાએ ફિલ્મી સ્ટાઇલમાં કન્યાને પોતાની તેડમાં ઊંચકી લીધી હતી અને પાણી ભરેલા મંડપમાં જ લગ્નની બધી વિધિઓ પૂરી કરી હતી.
મંડપમાં તરતા રહ્યા ચંપલ અને મહેમાનો બન્યા સાક્ષી
આ અસામાન્ય લગ્નનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો મંડપ પાણીથી ઘેરાયેલો છે, અને આસપાસ મહેમાનોના જૂતા-ચંપલ પાણીમાં તરી રહ્યા છે! આવી અકળાવનારી પરિસ્થિતિ હોવા છતાં, વરરાજા વૈભવ અને કન્યા પૂર્વા ભારે આત્મવિશ્વાસ સાથે હસતા-હસતા લગ્નનો આનંદ માણી રહ્યા છે. વરરાજા જ્યારે પોતાની નવવધૂને હાથમાં ઊંચકીને ડાઇનિંગ એરિયા તરફ લઈ જઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર મહેમાનોએ તાળીઓ પાડીને આ રોમેન્ટિક ક્ષણને વધાવી લીધી હતી.
'મોન્સૂન વેડિંગ' સોશિયલ મીડિયા પર સુપરહિટ
આ અનોખા લગ્નમાં આવેલા મહેમાનો પણ લગ્ન સ્થળના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવા માટે કાળજીપૂર્વક પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા. મુશ્કેલ પરિસ્થિતિને પણ યાદગાર ઉત્સવમાં બદલી નાખવાની આ દંપતીની રીત જોઈને નેટીઝન્સ તેમના દિવાના બન્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરીને તેને 'પરફેક્ટ મોન્સૂન વેડિંગ' ગણાવી રહ્યા છે અને આ ક્યૂટ કપલના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ થઈ રહ્યા છે. ખરેખર, આ લગ્ન પૂર્વા અને વૈભવ માટે જીવનભરનું એક અવિસ્મરણીય સંભારણું બની ગયું છે.

(4:42 PM IST)