<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રોમાનિયા, યુરોપિયન યુનિયનમાં ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર; ભારત-EU મુક્ત વેપાર સમજૂતી ઉદ્યોગો અને કુશળ વ્યાવસાયિકો માટે અભૂતપૂર્વ તકો ખોલશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રોમાનિયાના પ્રવાસે : રોમાનિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતનું નેતૃત્વ કર્યું

પ્રવાસમાં રાષ્ટ્રપતિની સાથે નિમુબેન જયંતિભાઈ બાંભણિયા(ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી), ડૉ. દિનેશ શર્મા(રાજ્યસભા સાંસદ) અને વિજય બઘેલ(લોકસભા સાંસદ)પણ જોડાયા

રાજકોટ તા.૨૪ :  ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાના રાજકીય પ્રવાસના અંતિમ તબક્કામાં બુખારેસ્ટ, રોમાનિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર રોમાનિયાના વિદેશ મંત્રી  ઓઆના-સિલ્વિયા તોઇઉ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ લગભગ ત્રણ દાયકામાં કોઈપણ ભારતીય રાષ્ટ્રપતિની રોમાનિયાની પ્રથમ રાજકીય મુલાકાત છે. આ પ્રવાસમાં રાષ્ટ્રપતિની સાથે નિમુબેન જયંતિભાઈ બાંભણિયા(ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી), ડૉ. દિનેશ શર્મા(રાજ્યસભા સાંસદ) અને  વિજય બઘેલ(લોકસભા સાંસદ)પણ જોડાયા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ-સહ-કાર્યાલય કોટરોસેની પેલેસની મુલાકાત લીધી. રોમાનિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ મિસ્ટર નિકુસોર ડેન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સામ-સામે બેઠક અને પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-રોમાનિયા દ્વિપક્ષીય ભાગીદારીના તમામ મુખ્ય પાસાઓ પર ઉપયોગી અને ભવિષ્યલક્ષી ચર્ચા કરી. બંને દેશો માટે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં સહયોગ વધુ વધારવા માટે તેઓ સહમત થયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ભારત અને રોમાનિયા વચ્ચે સાત દાયકાથી વધુ સમયથી ઉષ્માભરી અને ચિરસ્થાયી મિત્રતા રહી છે. આ મિત્રતા પરસ્પર વિશ્વાસ, સન્માન અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત છે.

ભારત-રોમાનિયા ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધાર આર્થિક સહયોગ છે. બંને નેતાઓ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા, મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા અને બંને દેશોના વેપારી સમુદાયો વચ્ચે નજીકના સહયોગને પ્રોત્સાહિત કરવા સંમત થયા. તેઓ આગામી ત્રણ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા દિશામાં પણ કામ કરવા સંમત થયા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે રોમાનિયા, યુરોપિયન યુનિયનમાં ભારતનો એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર સમજૂતી આપણા ઉદ્યોગો અને કુશળ-પ્રાપ્ત વ્યાવસાયિકો માટે *અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલશે.

      શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના પરસ્પર સંપર્ક ભારત-રોમાનિયા સંબંધોનો મજબૂત પાયો છે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા ત્રણ મહત્વપૂર્ણ કરારો પર આજે હસ્તાક્ષર થયા.વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ હેઠળ સંયુક્ત સંશોધન અને વિકાસને આગળ વધારવામાં આવશે.ICCRના સહયોગથી બુખારેસ્ટ યુનિવર્સિટીમાં ભારતીય અધ્યયન પીઠની સ્થાપના કરવામાં આવી રહી છે.

ITEC કાર્યક્રમ* હેઠળ રોમાનિયા માટે તાલીમની તકોની સંખ્યા બમણી કરવાનો ભારત સરકારનો નિર્ણય.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે *વર્ષ 2028માં ભારત અને રોમાનિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 80 વર્ષ પૂરા થશે. આ પ્રસંગને બંને દેશોએ "ભારત-રોમાનિયા નવીનતા વર્ષ" તરીકે ઉજવવા સંમતિ વ્યક્ત કરી છે.

(4:04 PM IST)