તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
RSS વડા મોહન ભાગવત ૬ ઓગસ્ટે Gen Z અને આલ્ફા પેઢી સાથે સાધશે સીધો સંવાદ: સંઘની યુવા વિઝન યોજના જાણો
મુંબઈના NMACC ખાતે I.I.M.U.N. ની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર વાર્ષિક કોન્ફરન્સમાં દેશભરના ૨,૦૦૦ થી વધુ યુવાનો સામે મોહન ભાગવત રજૂ કરશે "ભારતીય દ્રષ્ટિકોણ"

મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત આવનારી ૬ ઓગસ્ટે નવી પેઢીના યુવાનો એટલે કે જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફાના વિદ્યાર્થીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સંવાદ સાધવા જઈ રહ્યા છે. મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમ 'ઈન્ટરનેશનલ ઈન્ડિયન મોડેલ યુનાઈટેડ નેશન્સ' (I.I.M.U.N.) ની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ હશે. દેશના ભવિષ્ય એવા યુવાનોને ભારતીય વિચારધારા અને મૂલ્યો સાથે જોડવા માટે સંઘના આ વ્યુહરચનાત્મક પગલાંને રાજકીય અને સામાજિક વિશ્લેષકો ખૂબ જ મહત્વનું ગણાવી રહ્યા છે.
આ ભવ્ય કોન્ફરન્સમાં દેશભરના ૧૦૦ થી વધુ શહેરોમાંથી પસંદ કરાયેલા ૧૫ થી ૧૯ વર્ષની વયના ૨,૦૦૦ થી વધુ ઉત્સાહી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વર્ષના ઉદ્ઘાટન કાર્યક્રમની મુખ્ય થીમ "ભારતીય દ્રષ્ટિકોણથી વિશ્વને એક કરવામાં યુવાનોની ભૂમિકા" રાખવામાં આવી છે. I.I.M.U.N. ના સ્થાપક ઋષભ શાહે જણાવ્યું હતું કે, નેતૃત્વ એટલે માત્ર આગામી પેઢીને માર્ગદર્શન આપવું જ નહીં પરંતુ તેમની વાત ધ્યાનથી સાંભળવી પણ એટલી જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ભારત માટે આ નિર્ણાયક તબક્કે RSS વડાનું યુવાનો સાથેનું આ સંબોધન વૈશ્વિક મંચ પર ભારતની છબી અને યુવા શક્તિની ભૂમિકાને નવો આકાર આપશે.
૨૦૧૧ માં સ્થાપિત I.I.M.U.N. આજે ભારતના ૨૭૫ શહેરો અને ૪૦ દેશોમાં વિસ્તરેલું એક વિશાળ જાહેર પ્લેટફોર્મ બની ચૂક્યું છે, જેણે અત્યાર સુધીમાં ૭.૫ કરોડથી વધુ યુવાનોને જોડ્યા છે. આ સંસ્થાના સલાહકાર બોર્ડમાં અજય પિરામલ, શશી થરૂર, કરણ જોહર અને ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ જેવી મહાન હસ્તીઓ સામેલ છે. ૬ ઓગસ્ટના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં મોહન ભાગવતનું સંબોધન માત્ર ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક એકતા પર જ ધ્યાન કેન્દ્રિત કરશે નહીં, પરંતુ સંઘની આગામી પેઢીને રાષ્ટ્રનિર્માણમાં સક્રિયપણે જોડવાની દૂરંદેશી યોજનાનો પણ એક મહત્વનો ભાગ સાબિત થશે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
