તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th November 2026
દિલ્હીમાં પ્રદૂષણના ઈમરજન્સી એલાર્મ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
પરંપરાગત દિવાળી પાછળના વૈજ્ઞાનિક આધારનો બચાવ કરતા સરસંઘચાલક: કેમિકલમુક્ત ફટાકડા અને ઘીના દીવાથી વાતાવરણ શુદ્ધ થવાનો દાવો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે ત્યારે રસાયણમુક્ત ફટાકડા અને પરંપરાગત દિવાળી પ્રથાઓ અંગે RSS પ્રમુખ મોહન ભાગવતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નાગપુરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાચીન સમયની દિવાળી ઉજવણી માત્ર એક તહેવાર નહોતી પરંતુ તેની પાછળ ગૂઢ વિજ્ઞાન રહેલું હતું. તેમણે દાવો કર્યો હતો કે પહેલાના સમયમાં વપરાતા ફટાકડા હાનિકારક રસાયણોથી મુક્ત હતા, જે હવામાં રહેલા કીટાણુઓ અને જીવજંતુઓનો નાશ કરવામાં મદદરૂપ બનતા હતા. આ સાથે જ ઘીના દીવા પ્રગટાવવાની પરંપરાથી વાતાવરણ અને જીવન શુદ્ધ થતું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મોહન ભાગવતે પોતાના સંબોધનમાં "વાતાવરણ શુદ્ધ, જીવન શુદ્ધ"ના સૂત્રનો ઉલ્લેખ કરીને પર્યાવરણીય સંરક્ષણ અને પ્રકૃતિ સાથેના જોડાણ પર ભાર મૂક્યો હતો. દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડાના ઉપયોગ અને વધતા પ્રદૂષણને લઈને ચાલી રહેલા તીવ્ર વિવાદ વચ્ચે RSS પ્રમુખનો આ બચાવ ખૂબ માયના રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વભરમાં ઉજવાતો આ પાંચ દિવસનો તહેવાર સમાજને એકતાના તાંતણે બાંધવાનું કાર્ય કરે છે, જેમાં ધર્મ અને સંસ્કૃતિને જાળવવામાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ઊંડો દ્રષ્ટિકોણ અને સમજ ધરાવે છે.
બીજી તરફ, રાજધાની દિલ્હી પ્રદૂષણના ભારે સકંજામાં સપડાયેલી જોવા મળી રહી છે. આંકડાઓ મુજબ દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ પ્રદૂષિત દિવાળી નોંધાઈ છે, જેમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૩૭૬ સુધી પહોંચી ગયો હતો. સોમવારે સવારે પણ સ્થિતિમાં કોઈ વિશેષ સુધારો જોવા મળ્યો નહોતો અને સવારે ૧૦ વાગ્યે AQI ૩૭૧ નોંધાવાની સાથે સમગ્ર શહેર ઝેરી ધુમ્મસ અને સ્મોગની ઘેરી ચાદરમાં લપેટાયેલું રહ્યું હતું, જેના કારણે સામાન્ય જનજીવન અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા પર મુકાયેલા નિયંત્રણો અને દિલ્હી સરકાર દ્વારા લાગુ કરાયેલા કડક પ્રતિબંધો છતાં ઝેરી હવાની સ્થિતિ વધુ વણસતા આગામી દિવસોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ વધુ કડક પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે કેમિકલયુક્ત આધુનિક ફટાકડા અને પરાળી સળગાવવાથી સ્થિતિ વણસી રહી છે. આગામી સમયમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને સંબંધિત તંત્ર દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવીને બાંધકામ પર રોક, વાહનો માટે ઓડ-ઈવન યોજના અને ઝેરી હવા સામે લડવા માટે વિશેષ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવે તેવી વકી છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
