News of Monday, 11th May 2026
RTO ચેકપોસ્ટના દરવાજા હવે કાયમ માટે બંધ: જબલપુર હાઈકોર્ટે પોતાનો જ આદેશ પલટાવ્યો: ભ્રષ્ટાચારના 'અડ્ડા' પર વાગ્યું તાળું
ઓવરલોડિંગ રોકવા માટે ચેકપોસ્ટ ખોલવાની સરકારની દલીલ સામે ટ્રાન્સપોર્ટર્સની 'ડિજિટલ ઈન્ડિયા'ની જીત : હવે હાઈવે પર બાજ નજર રાખશે આધુનિક ટેકનોલોજી અને સેન્સર

જબલપુર: મધ્યપ્રદેશના હાઈવે પર મુક્તપણે દોડતા ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટર્સ માટે જબલપુર હાઈકોર્ટ તરફથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે ગણતરીના દિવસોમાં જ પોતાના અગાઉના નિર્ણય પર સ્ટે આપીને સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં હવે RTO ચેકપોઈન્ટ્સ ફરી ક્યારેય નહીં ખુલે. અગાઉ ૧૬ એપ્રિલે કોર્ટે સરકારની ભલામણ પર આ નાકાઓ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની દલીલો અને કેન્દ્ર સરકારના હાઈવે સુરક્ષાના નિયમોને ધ્યાને લેતા કોર્ટે સ્વીકાર્યું કે જૂની પદ્ધતિના ચેકપોઈન્ટ્સ માત્ર ટ્રાફિક જામ અને ભ્રષ્ટાચારનું જ કારણ બને છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ અને હાઈવે પર વપરાતી અત્યાધુનિક ટેકનોલોજી છે. કોર્ટે અવલોકન કર્યું કે આજના યુગમાં વાહનોના વજન અને દસ્તાવેજોની તપાસ માટે રસ્તા પર બેરિકેડ્સ લગાવીને ઉભા રહેવાની કોઈ જરૂર નથી. ડિજિટલ મોનિટરિંગ અને હાઈવે પર લગાવેલા ઓટોમેટિક સેન્સર દ્વારા વાહન ચાલકોને રોક્યા વગર પણ ઓવરલોડિંગ અને અન્ય ઉલ્લંઘનો શોધી શકાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી હાઈવે પર પરિવહન અવિરત રહેશે અને દેશના વિદેશી હૂંડિયામણની સાથે સાથે ઈંધણની પણ મોટી બચત થશે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ ચુકાદાને ભ્રષ્ટાચાર અને 'ગેરકાયદે ઉઘરાણા' સામેની સૌથી મોટી જીત ગણાવી છે. વર્ષોથી RTO ચેકપોસ્ટ પર ચાલતી લૂંટફાટ અને વહીવટી અવરોધોને કારણે ટ્રાન્સપોર્ટર્સ પરેશાન હતા, ત્યારે હવે કાયમી સ્ટે આવતા હાઈવે પર પારદર્શિતા વધશે. આ આદેશ બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે મધ્યપ્રદેશની સરહદો પર જૂના જમાનાની RTO ચોકીઓ હવે ઈતિહાસ બની જશે. આ નિર્ણયથી માત્ર વ્યાપારમાં સરળતા જ નહીં વધે, પરંતુ સામાન્ય જનતાને મળતી જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
