તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
જીએસટીમાં સામાન્ય ભૂલમાં પણ ૫૦ હજાર રૂપિયા સુધીના દંડનો નિયમ રદ
જીએસટી કાઉન્સિલની બેઠકમાં હવેથી ૧૦ હજારનો જ દંડ વસૂલ કરવા નિર્ણય : ટેક્સની રકમ કરતા દંડ વધી જતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી

મુંબઈ,તા.૨૨: જીએસટીમાં નાની નાની ભૂલ કરવામાં આવી હોય તો પણ અધિકારી દ્વારા વેપારીઓને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો નિયમ હતો. જોકે મોટાભાગના કિસ્સામાં અધિકારીઓ ૫૦ હજાર રૂપિયાનો જ દંડ ફટકારી દેતા હતા. તેના કારણે વેપારીએ પરેશાની વેઠવાનો વારો આવતો હતો. પરંતુ જીએસટી કાઉન્સિલની બેઠકમાં હવે વેપારીએ કરેલી ભૂલ બદલ વધુમાં વધુ ૧૦ હજાર રૂપિયા સુધીનો જ દંડ વસૂલ કરવાનો નિયમ લાવવામાં આવ્યો છે. જોકે હજુ તેનું સત્તાવાર નોટિફિકેશન આવ્યું નથી, પરંતુ આવ્યા બાદ તેનો અમલ કરવામાં આવનાર છે.
ઇ-વે બિલ બનાવતી વખતે ભૂલ થઈ હોય, ટેક્સની ગણતરી કરતી વખતે, ઈ-ઈનવોઈસ બનાવવામાં ભૂલ કરવા સહિતની બાબતોમાં અધિકારી દ્વારા નોટિસ ફટકારીને વેપારીને ૫૦ હજારનો દંડ ભરવા માટે તાકીદ કરવામાં આવતી હતી. જોકે ૫૦ હજાર સુધીનો દંડ ફટકારવાનો નિયમ હોવા છતાં વધુમાં વધુ જ દંડ વસૂલ કરવા માટે આવી રીતે કામગીરી કરવામાં આવતી હતી. જ્યારે તેના કરતા ઓછી રકમનો દંડ કરવાની પણ સત્તા અધિકારીઓ પાસે રહેલી હોવા છતાં વધુ દંડ જ ફટકારવામાં આવતો હતો. આ માટેની તકલીફ વેપારીઓને પડતી હતી, કારણ કે કેટલાક કિસ્સામાં તો જીએસટીની રકમ કરતા દંડની રકમ વધી જતી હતી. આવા અનેક કિસ્સાને ફરિયાદ પુરાવા સહિત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. જેથી જીએસટી કાઉન્સિલની હાલમાં મળેલી બેઠકમાં વેપારીઓની સામાન્ય ભૂલ હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ ૧૦ હજાર રૂપિયા સુધીનો જ દંડ વસૂલ કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય કરવાના કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે ટેક્સ કરતા વધુ દંડ ફટકારવામાં આવતા વેપારીએ અપીલમાં જવું પડતું હતું. તેના કારણે કેસનો નિકાલ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વેપારીએ પરેશાની વેઠવી પડતી હતી. તેમાંથી પણ હવે છુટકારો થવાનું જાણકારો કહી રહ્યા છે
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
