તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ઓલા, ઉબેર અને ડિલિવરી કંપનીઓ માટે બદલાશે નિયમો: ગિગ કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળમાં યોગદાન અનિવાર્ય
વાર્ષિક ટર્નઓવરના ૧ થી ૨% અથવા કામદારોને થતી ચૂકવણીના ૫% સુધી યોગદાનની ફોર્મ્યુલા પર વિચાર : રાઈડ-હેલિંગ સેવાઓ પર વધી શકે છે આર્થિક બોજ

નવી દિલ્હી : ભારતમાં ઓલા, ઉબેર જેવી કેબ-ઓટો સેવાઓ અને ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા ગિગ અને ઓનલાઈન કામદારો માટે સામાજિક સુરક્ષા યોગદાનને લઈને નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. 'સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦' હેઠળ એગ્રીગેટર કંપનીઓએ ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સ્થાપિત સામાજિક સુરક્ષા ભંડોળમાં ફરજિયાત યોગદાન આપવાનું રહેશે, જે માટેની ચોક્કસ ફોર્મ્યુલા અને ટેકનિકલ માળખા પર હાલમાં સરકાર દ્વારા ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે મુખ્ય વિકલ્પો પર મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વિકલ્પ હેઠળ કંપનીઓના વાર્ષિક ટર્નઓવરના આધારે શુલ્ક વસૂલવામાં આવે, જ્યારે બીજા વિકલ્પમાં કામદારોને કરવામાં આવતી ચુકવણી અથવા પ્રતિ વ્યવહારના આધારે યોગદાન માનક બનાવવાની વાત છે. કોડની કલમ ૧૧૪(૪) મુજબ, એગ્રીગેટર્સે તેમના વાર્ષિક ટર્નઓવરના ૧ થી ૨% સુધીનું યોગદાન આપવું જરૂરી છે, જો કે આ રકમ કામદારોને ચૂકવાતી કુલ રકમના ૫%થી વધુ હોઈ શકે નહીં.
વિશ્લેષકોના મતે, ચુકવણી અથવા પ્રતિ-વ્યવહાર આધારિત મોડેલ એવા વ્યવસાયો પર ભારે નાણાકીય બોજ નાખી શકે છે જ્યાં વ્યવહારોની સંખ્યા ખૂબ વધુ હોય પરંતુ પ્રતિ-વ્યવહાર મૂલ્ય ઓછું હોય. ખાસ કરીને રાઈડ-હેલિંગ સેવાઓ (કેબ, ઓટો અને બાઇક) પર આ સિસ્ટમનો ભારે બોજ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિયમો અનુસાર, કોઈ ગિગ કાર્યકર ત્યારે જ આ સામાજિક સુરક્ષા યોજનાના લાભો માટે પાત્ર બને છે જ્યારે તેણે એક નાણાકીય વર્ષમાં ૯૦ દિવસ એક જ એગ્રીગેટર સાથે અથવા કુલ ૧૨૦ દિવસ બહુવિધ એગ્રીગેટર કંપનીઓ સાથે કામ કર્યું હોય. એગ્રીગેટર કંપનીઓએ આ યોગદાનની ગણતરી વાર્ષિક ધોરણે કરીને ભંડોળમાં જમા કરાવવાની રહેશે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
