<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કેન્દ્ર સરકાર દ્વારા ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડના નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર

કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2026થી OCI કાર્ડના નિયમો અને ફી માળખામાં મોટો ફેરફાર કર્યો; નવા કાર્ડની ફી $275 નક્કી, છ મહિનાની ફરજિયાત રોકાણની શરત હટાવી, નવા પાસપોર્ટની વિગતો 3 મહિનામાં અપડેટ ન કરવા પર $25 પેનલ્ટી લાગુ થશે

નવી દિલ્હી તા.30 : કેન્દ્ર સરકારે ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડના નિયમોમાં એક દાયકા બાદ મોટો ફેરફાર કર્યો છે. 1 એપ્રિલ 2026થી અમલમાં આવેલા નવા માળખા હેઠળ ફી, અરજી પ્રક્રિયા અને પાલનના નિયમો બદલાયા છે. ગૃહ મંત્રાલય અને બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો ભારતીય મૂળના વિદેશી નાગરિકો માટે પ્રક્રિયા સરળ બનાવવા સાથે ડેટાની ચોકસાઈ વધારવાના હેતુથી લાવવામાં આવ્યા છે.

 

સૌથી મહત્ત્વનો ફેરફાર ફી માળખામાં કરવામાં આવ્યો છે. હવે નવા OCI કાર્ડ માટેની અરજી ફી $275 નક્કી કરવામાં આવી છે. ભારતમાં અરજી કરનારે આ રકમના સમકક્ષ ભારતીય રૂપિયા એટલે કે 15,000 રૂપિયા ચૂકવવાના રહેશે, જે પહેલા પણ આટલી જ હતી. વિદેશમાં ભારતીય મિશન મારફતે અરજી કરનારે સ્થાનિક ચલણમાં $275 સમકક્ષ રકમ ચૂકવવાની રહેશે. કાર્ડમાં વિગતો બદલવા, 20 વર્ષની ઉંમર થયા બાદ ફરીથી ઇશ્યૂ કરાવવા કે OCI ત્યાગ માટે $25 ફી રાખવામાં આવી છે. જ્યારે કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે નુકસાન થાય તો ડુપ્લિકેટ કાર્ડ માટે $100 ફી ચૂકવવી પડશે. PIO કાર્ડને OCIમાં કન્વર્ટ કરાવવા માટે પણ $100 ફી નક્કી કરાઈ છે.

 

બીજો મોટો ફેરફાર અરજીની પાત્રતામાં કરવામાં આવ્યો છે. અગાઉ 12 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે ભારતમાં સતત છ મહિના રોકાવું ફરજિયાત હતું. આ શરત હવે હટાવી દેવામાં આવી છે. હવે અરજદાર ભારતમાં આવ્યા બાદ તરત જ OCI માટે અરજી કરી શકશે, જો તેની પાસે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતાવાળો પાસપોર્ટ અને ત્રણ મહિનાની માન્યતાવાળો વિઝા હોય. જોકે ટૂરિસ્ટ, મિશનરી, પર્વતારોહણ કે ઈ-વિઝા પર ભારતમાં રહેલા લોકો OCI માટે અરજી કરી શકશે નહીં. લગ્નના આધારે અરજી કરનારે લગ્ન નોંધાયેલા હોવા જોઈએ અને અરજીની તારીખે લગ્નને ઓછામાં ઓછા બે વર્ષ થયા હોવા જરૂરી છે.

 

ત્રીજો મહત્ત્વનો ફેરફાર પાલનના નિયમોમાં છે. હવે તમામ OCI કાર્ડધારકોએ નવો વિદેશી પાસપોર્ટ મળ્યાના ત્રણ મહિનાની અંદર OCI પોર્ટલ પર પોતાની વિગતો અપડેટ કરવાની રહેશે. જો 90 દિવસમાં આ અપડેટ નહીં થાય તો $25નો દંડ ભરવો પડશે. આ નિયમ ડિજિટલ રેકોર્ડ કીપિંગ મજબૂત કરવા અને એરપોર્ટ પર ઈ-ગેટ ઇમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનાવવા લાગુ કરાયો છે. બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમ અપગ્રેડ કરાઈ છે જેથી પાસપોર્ટ અને OCI ડેટા રિયલ ટાઈમ મેચ થઈ શકે.

 

ચોથો ફેરફાર પાત્રતા વિસ્તારવામાં આવ્યો છે. હવે શ્રીલંકામાં રહેતા પાંચમી અને છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના તમિલોને પણ OCI માટે પાત્ર ગણવામાં આવશે. અગાઉ માત્ર ચોથી પેઢી સુધીના વંશજો જ પાત્ર હતા. આ ઉપરાંત સરકારે PIO કાર્ડ યોજના 31 ડિસેમ્બર 2025થી સત્તાવાર રીતે રદ કરી છે. તમામ હાલના PIO કાર્ડધારકોને હવે OCI કાર્ડધારક ગણવામાં આવશે.

 

પાંચમો ફેરફાર ડિજિટલ પ્રક્રિયાને લઈને છે. હવે પાસપોર્ટ રિન્યૂ થાય ત્યારે વારંવાર OCI કાર્ડ રિઇશ્યૂ કરાવવાની જરૂર નથી. કાર્ડધારકે માત્ર ઓનલાઈન પોર્ટલ પર નવા પાસપોર્ટની વિગતો અને ફોટો અપલોડ કરવાના રહેશે. અરજીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રાખવામાં આવી છે. OCI કાર્ડધારકોને આજીવન મલ્ટીપલ એન્ટ્રી વિઝા, FRRO નોંધણીમાંથી મુક્તિ, બેંક ખાતા ખોલવા અને બિન-કૃષિ મિલકત ખરીદવાનો અધિકાર મળે છે. નવા નિયમોથી અરજી પ્રક્રિયા સરળ બનશે અને ડાયસ્પોરા મેનેજમેન્ટ વધુ કાર્યક્ષમ બનશે.

(4:28 PM IST)