News of Monday, 7th September 2026
મરુભૂમિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે જ સત્તાધારી પક્ષનો દબદબો: રાજસ્થાનની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના ૭૭ વોર્ડમાં બિનહરીફ ચૂંટણી પરિણામ જાહેર, ૪૪ બેઠકો પર કમળ ખીલ્યું
ચૂંટણી જંગ જામી પડે તે પહેલા જ ભાજપે પચાસ ટકાથી વધુ બિનહરીફ સીટો પર કબ્જો જમાવ્યો: ૧૭ બેઠકો પર અપક્ષ અને ૧૬ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો મતદાન વિના જ વિજેતા ઘોષિત

જયપુર: રાજસ્થાનમાં આગામી સમયમાં યોજાનારી શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ચોંકાવનારા અને પક્ષીય સમીકરણો બદલી નાખનારા પરિણામો સામે આવ્યા છે. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ મતદાન વિના જ ૭૭ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક ચૂંટણી સંગ્રામમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રારંભિક તબક્કે જ મોટી સરસાઈ મેળવીને કુલ ૭૭ બિનહરીફ બેઠકોમાંથી ૪૪ બેઠકો પર વિજયધ્વજ લહેરાવ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ, ઉમેદવારી પત્રોની ચકાસણી અને નામ પાછા ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ સંબંધિત વોર્ડમાં હરીફ ઉમેદવારો ન બચતાં રિટર્નિંગ ઓફિસરો દ્વારા વિજેતા ઉમેદવારોને નિર્વિરોધ ચૂંટાયાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ કરતા અપક્ષો આગળ, અન્ય પ્રાદેશિક પક્ષોનું ખાતું પણ ન ખુલ્યું
ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ અનુસાર, બિનહરીફ ચૂંટાયેલા ૭૭ પ્રતિનિધિઓમાં ભાજપના ૪૪ ઉમેદવારો બાદ બીજા ક્રમે અપક્ષ ઉમેદવારોનો દબદબો રહ્યો છે. રાજ્યના ૧૭ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ વિના વિરોધ જીત નોંધાવી છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના માત્ર ૧૬ ઉમેદવારો જ બિનહરીફ ચુંટાઈ શક્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો બિનહરીફ બેઠકોમાં ભાજપનો હિસ્સો આશરે ૫૬.૪ ટકા, અપક્ષોનો ૨૩.૧ ટકા અને કોંગ્રેસનો હિસ્સો ૨૦.૫ ટકા રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ નાના કે પ્રાદેશિક રાજકીય પક્ષના ખાતામાં એક પણ બિનહરીફ બેઠક આવી નથી.
ડીગ, ચિત્તોડગઢ અને સીકરમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો
રાજ્યભરમાં બિનહરીફ બેઠકોના ગણિતમાં ડીગ જિલ્લો મોખરે રહ્યો છે, જ્યાં અલગ-અલગ ૧૦ વોર્ડમાં કોઈ પણ પ્રકારના મતદાન વિના પરિણામ જાહેર થઈ ગયું છે. આ ઉપરાંત ચિત્તોડગઢ જિલ્લામાં ૬, સીકરમાં ૫ તથા અલવર, ઝુનઝુનુ, જોધપુર અને ખેરથલ-તિજારા વિસ્તારોમાં ૪-૪ વોર્ડમાં ઉમેદવારો નિર્વિરોધ વિજેતા બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના વિવિધ શહેરી નિકાયોમાં આગામી ૯ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જોકે, એક તરફ સમગ્ર રાજ્યમાંથી આ પ્રકારે બિનહરીફ જીતના અહેવાલો સાંપડ્યા છે, ત્યારે બીજી તરફ રાજધાની જયપુરમાં ચિત્ર અલગ જોવા મળ્યું છે. જયપુર મહાનગરપાલિકાના ૧૫૦ વોર્ડમાંથી એક પણ બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શક્યો નથી અને તમામ વોર્ડમાં ચૂંટણી યોજાશે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
