તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: અમેરિકાના ઈરાન પર હુમલાથી જમાત-એ-ઇસ્લામી ચિંતિત: ભારતને મધ્યસ્થતા કરવા અપીલ
હોર્મુઝ બંધ થવાથી ભારતમાં મોંઘવારીનો ભડકો થવાની ભીતિ વચ્ચે મોટો ઝટકો: યુદ્ધ રોકવા માટે દિલ્હીને શાંતિ દૂત બનવા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીની હાકલ

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મહાયુદ્ધના નગારા વાગી રહ્યા છે ત્યારે જમાત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાન પર અમેરિકાના તાજેતરના લશ્કરી હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ એકપક્ષીય સૈન્ય કાર્યવાહીને વૈશ્વિક મુત્સદ્દીગીરી માટે એક મોટો આંચકો ગણાવ્યો છે. હુસૈનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે માંડ-માંડ યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટોની આશા જાગી હતી, ત્યારે અમેરિકાના આ આક્રમક વલણે શાંતિપૂર્ણ ઉકેલની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને આંતરરાષ્ટ્રીય કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે.
આ વૈશ્વિક સંઘર્ષ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અને વિનાશક અસર સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત પર પડી શકે તેમ છે. જમાતના પ્રમુખે ચેતવણી આપી છે કે જો આ તણાવ હજુ વધુ વધશે તો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ ગણાતા હોર્મુઝના વાહનવ્યવહાર પર તેની ગંભીર અસર થશે. જો આ માર્ગ પ્રભાવિત થશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે, જેના પરિણામે ભારત જેવા આયાતી ઉર્જા પર નિર્ભર દેશોમાં ઈંધણ મોંઘું થશે, ફુગાવો વધશે અને સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ જશે.
આ ગંભીર આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે જમાત-એ-ઇસ્લામી હિંદે ભારત સરકારને એક મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી છે. હુસૈનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે લશ્કરી બળ કે આર્થિક પ્રતિબંધો ક્યારેય કોઈ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતા નથી, તેથી ભારતે આ મામલે સક્રિય બનીને 'શાંતિ દૂત' તરીકે આગળ આવવું જોઈએ. પશ્ચિમ એશિયામાં ન્યાયી, વ્યાપક અને કાયમી શાંતિ સ્થપાય તે માટે ભારતે તમામ પક્ષો સાથે રાજદ્વારી સંવાદ શરૂ કરાવી તણાવ ઓછો કરવા માટે પોતાના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરવો જ પડશે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
