<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

યુએસ ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા ઘટીને ૯૬.૩૬ની નીચી સપાટીએ પહોંચ્યો : ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને પગલે વિદેશી હૂંડિયામણ બજારમાં ભારતીય ચલણ પર દબાણ વધ્યું

લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાં સુરક્ષા ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૧.૧૮ ટકા વધીને ૯૨.૦૮ ડોલરે પહોંચ્યું : પ્રારંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો : આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપ અને પરિસ્થિતિ પર નજર

મુંબઈ: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભૂ-રાજકીય તણાવ વધવાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે યુએસ ડોલરની માંગ વધતા બુધવારે પ્રારંભિક કારોબારમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૧૧ પૈસા ઘટીને ૯૬.૩૬ની સપાટીએ પહોંચી ગયો હતો. વિદેશી હૂંડિયામણના વેપારીઓના જણાવ્યા અનુસાર, લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાંથી તેલના વહન સંબંધિત સુરક્ષા ચિંતાઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. આ ઉપરાંત હુથી જૂથ દ્વારા શિપિંગ પરની ધમકીઓ અને યુએસ-ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા સંઘર્ષને કારણે બજારમાં ભૂ-રાજકીય જોખમનું પ્રીમિયમ જળવાઈ રહ્યું છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૯૬.૩૬ની સપાટીએ ખુલ્યો હતો, જે તેના પાછલા બંધ ભાવ કરતા ૧૧ પૈસાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે મંગળવારે રૂપિયો અમેરિકી ચલણ સામે ૯૬.૨૫ની સપાટીએ બંધ થયો હતો. બીજી તરફ, છ મુખ્ય ચલણોના બાસ્કેટ સામે ડોલરની મજબૂતી દર્શાવતો ડોલર ઇન્ડેક્સ ૦.૦૧ ટકા ઘટીને ૧૦૧.૧૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ યુએસ-ઈરાન સંઘર્ષમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે સલામત રોકાણ તરીકે યુએસ ડોલરની માંગમાં વધારો જોવા મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો વૈશ્વિક બેંચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ વાયદા વેપારમાં ૧.૧૮ ટકા વધીને બેરલ દીઠ ૯૨.૦૮ યુએસ ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરીના વડા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભાનુશાલીએ જણાવ્યુ હતું કે, વિદેશી થાપણોને આકર્ષવા માટે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાંથી નોંધપાત્ર વિદેશી હૂંડિયામણનો પ્રવાહ શરૂ થયો છે, જેનાથી બજારનો વિશ્વાસ વધ્યો છે અને રૂપિયાને ટેકો મળ્યો છે. વેપારીઓ ચલણ બજારની અસ્થિરતાને હળવી કરવા માટે સરકારી બેંકો દ્વારા આરબીઆઈની ભાગીદારી પર નજર રાખી રહ્યા છે. કેન્દ્રીય બેંક અવ્યવસ્થિત મુવમેન્ટને રોકવાની સાથે સાથે ક્રમશઃ એડજસ્ટમેન્ટની મંજૂરી આપી રહી હોવાનું જણાય છે.

સ્થાનિક શેરબજારની સ્થિતિ જોઈએ તો, ૩૦ શેરો ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૫૨ ટકા ઘટીને ૭૭,૦૭૦.૬૧ ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૦.૩૪ ટકા ઘટીને ૨૪,૧૦૪.૪૦ પર પહોંચ્યો હતો. એક્સચેન્જના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે ૧,૬૫૦.૧૬ કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

(10:15 AM IST)