<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે : ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભડકા વચ્ચે ભારતીય ચલણ ૯૬.૨૨ ની ઐતિહાસિક સપાટીએ ગગડ્યું

વૈશ્વિક બજારમાં બોન્ડ યીલ્ડ વધતા અને મોંઘવારીની આશંકાથી વૈશ્વિક બજારો સહિત નિફ્ટીમાં એક ટકાથી વધુનો કડાકો : વિદેશી રોકાણકારોએ ૨૩.૫ અબજ ડૉલર પાછા ખેંચ્યા : રૂપિયાને ગગડતો અટકાવવા આરબીઆઇની દરમિયાનગીરી - ચાંદીની આયાત પર પ્રતિબંધ જેવા કડક પગલાં લેવાયા

નવી દિલ્હી : વૈશ્વિક આર્થિક મોરચે ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમવારે ડૉલર સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચલી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને ઉર્જાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને પગલે વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. આ વૈશ્વિક પરિસ્થિતિઓની સીધી અસર દુનિયાના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર દેશ ભારત પર જોવા મળી રહી છે.

સોમવારે કારોબાર દરમિયાન રૂપિયો ૦.૩ ટકા જેટલો તૂટીને ડૉલર સામે ૯૬.૨૨૭૫ ના સ્તરે પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. ચાલુ વર્ષ ૨૦૨૬ માં એશિયાના દેશોમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર ભારતીય ચલણ સતત પાંચમા સત્રમાં રેકોર્ડ નીચલી સપાટીએ બંધ રહ્યું છે. ઇરાન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂપિયાના મૂલ્યમાં ૫.૫ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

બજારના નિષ્ણાતો અને ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડૉલરના વેચાણની દરમિયાનગીરી કરવામાં ન આવી હોત તો રૂપિયામાં આનાથી પણ વધુ મોટો કડાકો જોવા મળ્યો હોત. રૂપિયાને ટેકો આપવા માટે ભારતીય નીતિ નિર્માતાઓ દ્વારા કેટલાક કડક નિયમનકારી પગલાં પણ લેવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ ચાંદીની મોટાભાગની આયાત પર પ્રતિબંધો લાદવાનો સમાવેશ થાય છે. બેંક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચના વિશ્લેષકોના મતે, આગામી સમયમાં જો ક્રૂડ ઓઇલના ભાવ આ જ રીતે ઊંચા રહેશે તો ૨૦૨૬ ના મધ્ય સુધીમાં રૂપિયો હજુ વધુ નબળો પડીને ૯૬ અને વર્ષના અંત સુધીમાં ૯૮ ના સ્તરે પહોંચી શકે છે.

આ આર્થિક કટોકટીની સીધી અસર ભારતીય શેરબજાર અને અન્ય અસ્કયામતો પર પણ જોવા મળી છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજાર અને બોન્ડ માર્કેટમાંથી ૨૩.૫ અબજ ડૉલર કરતાં વધુનું રોકાણ પાછું ખેંચી લીધું છે. યુએઇમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ ઇરાન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો અટકી પડ્યા છે, જેને કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ભય વધુ ઘેરો બન્યો છે. આ દબાણ વચ્ચે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૫૦ એક ટકાથી વધુ તૂટ્યો હતો, જ્યારે ૧૦ વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ ૬ બેસિસ પોઈન્ટ વધીને ૭.૧૨ ટકા પર પહોંચી ગઈ હતી. વૈશ્વિક સ્તરે ટોક્યોથી લઈને ન્યૂયોર્ક સુધીના બજારોમાં પણ બોન્ડ માર્કેટમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.

(12:04 PM IST)