News of Wednesday, 25th November 2026
શેરબજારની તેજી વચ્ચે રૂપિયો વધુ મજબૂત બન્યો. નવેમ્બરમાં અત્યાર સુધીમાં નોંધાઈ 3.5 ટકાથી વધુની તેજી
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાથી સ્થાનિક ચલણને મળી મદદ : બુધવારે રૂપિયો 18 પૈસા ઉછળી 92.73 પર ખુલ્યો અને કારોબાર દરમિયાન 92.51ના સ્તરને સ્પર્શ્યો : આરબીઆઈની સંભવિત દખલગીરી અને અમેરિકી ફેડના નિર્ણયો પર બજારની નજર

મુંબઈ : ભારતીય શેરબજારમાં બુધવારે જોવા મળી રહેલી મજબૂતીની અસર સ્થાનિક ચલણ પર પણ પડી છે અને ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં વિદેશી રોકાણકારોની ફરી સક્રિયતા અને રૂપિયાના ભવિષ્ય અંગે સુધારાની આશાને કારણે રૂપિયાને ટેકો મળ્યો છે. બુધવારે રૂપિયો 18 પૈસા મજબૂત થઈને પ્રતિ ડોલર 92.73 ના સ્તરે ખૂલ્યો હતો, જે અગાઉના સત્રમાં પ્રતિ ડોલર 92.91 પર બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો 92.51 પ્રતિ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જોકે ત્યારબાદ થોડી નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી.
આ સુધારા સાથે નવેમ્બર મહિનામાં રૂપિયાની રિકવરી વધુ તેજ બની છે. આજના નીચલા સ્તરને આધારે નવેમ્બરમાં રૂપિયો આશરે 3.6 ટકા મજબૂત થયો છે, જ્યારે 8 નવેમ્બર બાદ તેમાં 4 ટકાથી વધુનો સુધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ રૂપિયો ગગડીને પ્રતિ ડોલર 96 ના સ્તરથી ઉપર નીકળી ગયો હતો, ત્યારબાદથી તેમાં સતત સુધારો આવી રહ્યો છે. આ જ વર્ષે મે મહિનામાં રૂપિયાએ 97 ની નજીકની સૌથી નીચલી સપાટી નોંધાવી હતી.
રૂપિયામાં આ તેજી પાછળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈની લેવાલી મુખ્ય કારણ મનાય છે. ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોનો રસ વધતા ડોલરની માંગ પર દબાણ ઘટ્યું છે અને રૂપિયાને બળ મળ્યું છે. આ ઉપરાંત ડોલર ઈન્ડેક્સમાં આવેલી નરમાઈ પણ સ્થાનિક ચલણ માટે સાનુકૂળ સાબિત થઈ રહી છે. ફિનરેક્સના મતે આગળના સમયમાં રૂપિયામાં વધઘટ જળવાઈ રહી શકે છે અને તે 92.25 થી 93.35 પ્રતિ ડોલરની રેન્જમાં કારોબાર કરે તેવી શક્યતા છે. બ્રોકરેજ વર્તુળોના મતે રૂપિયાને વધુ પડતો મજબૂત થતો અટકાવવા ભારતીય રિઝર્વ બેંક ડોલરની ખરીદી કરી શકે છે, જેથી ચલણ એક નિશ્ચિત મર્યાદામાં રહે.
બીજી તરફ ડોલર ઈન્ડેક્સ તાજેતરની ઊંચી સપાટી પરથી નીચે આવ્યો છે. સોમવારે અમેરિકી પીએમઆઈના આંકડા અપેક્ષા કરતા સારા આવ્યા બાદ ડોલર ઈન્ડેક્સ 104 ને પાર પહોંચ્યો હતો, પરંતુ મંગળવારે તેમાં 0.44 ટકાનો ઘટાડો થયો હતો અને બુધવારે તે 103.85 આસપાસ સ્થિર જણાયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઉતારચઢાવ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડનો જાન્યુઆરી વાયદો 90 ડોલર પ્રતિ બેરલથી નીચે ગયા બાદ બુધવારે સવારે એશિયન કારોબારમાં વધીને 90.68 ડોલર પ્રતિ બેરલ થયો હતો. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી ક્રૂડના ભાવ રૂપિયા માટે મહત્વના છે.
બુધવારે એશિયન ચલણોમાં ડોલર સામે મિશ્ર વલણ રહ્યું હતું. ચીની યુઆન 0.31 ટકા મજબૂત થઈને શ્રેષ્ઠ દેખાવ કરનાર ચલણ રહ્યું હતું, જ્યારે તાઈવાન ડોલરમાં 0.13 ટકા અને દક્ષિણ કોરિયન વોનમાં 0.08 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. તેનાથી વિપરીત જાપાની યેન 0.19 ટકા ઘટીને સૌથી નબળું રહ્યું હતું, જ્યારે ફિલિપાઈન્સ પેસોમાં 0.16 ટકા અને ઈન્ડોનેશિયન રૂપિયામાં 0.09 ટકાનો ઘટાડો થયો હતો. હવે વૈશ્વિક રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારી અને આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર છે, જે ડિસેમ્બરમાં યોજાનારી ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની બેઠક પહેલા આવશે. વ્યાજદરમાં વધારાની સંભાવના અંગેની ચર્ચાઓ અને ડોલરની ચાલ આગામી દિવસોમાં રૂપિયાની દિશા નક્કી કરશે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
