<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

રશિયાએ કિવ સહિત ૧૨ વિસ્તારો પર કર્યો મિસાઈલ હુમલો : ૧૨ લોકોના મોત અને ૪૦ થી વધુ ઘાયલ

ઝેલેન્સકીએ રશિયન બેલિસ્ટિક મિસાઈલો સામે રક્ષણ મેળવવા અમેરિકી પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમની તાકીદે માંગ કરી

કિવ:  લાંબા સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધમાં શાંતિના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૨ જેટલા મુખ્ય વિસ્તારો પર બેલિસ્ટિક મિસાઈલો અને અત્યાધુનિક જેટ-સંચાલિત ડ્રોન વડે કાળઝાળ હુમલો કરીને ભારે તારાજી સર્જી છે. અડધી રાત્રે અચાનક થયેલા આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૧૨ માસૂમ નાગરિકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૪૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કિવના પોડિલ્સ્કી અને ડાર્નિત્સકી વિસ્તારોમાં મિસાઈલો સીધી ઈમારતો અને ગેરેજ કોમ્પ્લેક્સ પર ત્રાટકતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેને કાબૂમાં લેવા માટે રેસ્ક્યૂ ટીમોએ કલાકો સુધી ઝઝૂમવું પડ્યું હતું.

રશિયાના આ સતત વધતા જતા અને અત્યંત ઘાતક મિસાઈલ હુમલાઓ સામે રક્ષણ મેળવવામાં યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે રશિયાની બેલિસ્ટિક મિસાઈલો તેમના માટે સૌથી મોટો અને ચિંતાજનક પડકાર બની ગઈ છે. યુ.એસ. નિર્મિત 'પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ' માટે પૂરતા પ્રમાણમાં અદ્યતન દારૂગોળો ન હોવાને કારણે રશિયન શસ્ત્રોને હવામાં જ તોડી પાડવામાં યુક્રેન અસમર્થ સાબિત થઈ રહ્યું છે. જેથી ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક ધોરણે નવી પેઢીના ઇન્ટરસેપ્ટર્સ અને પેટ્રિઅટ મિસાઈલ પેકેજની માંગણી કરી છે.

બીજી તરફ, રશિયા દ્વારા કરવામાં આવેલી આ ભારે તારાજીના જવાબમાં યુક્રેને પણ આક્રમક પલટવાર શરૂ કર્યો છે. યુક્રેને રશિયાના પર્મ, સમારા અને આસ્ટ્રાખાન પ્રદેશોમાં આવેલા તેલ રિફાઇનરીઓ, ફ્યુઅલ સ્ટોરેજ ડેપો અને સૈન્ય તાલીમ કેન્દ્રો પર લાંબા અંતરની મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન વડે પલટવાર કર્યો છે. આ ઉપરાંત, કાળા સમુદ્રમાં પણ યુક્રેને મોટો સૈન્ય હુમલો કરીને રશિયાના સોચી શહેર નજીક પાણીમાં તરતા તેલના ટેન્કરને આગચંપી કરી ભસ્મીભૂત કરી દીધું છે. બંને દેશો વચ્ચે વધતા જતા આ ભીષણ વળતા હુમલાઓને કારણે સમગ્ર વિશ્વમાં યુદ્ધ વધુ વકરવાની ચિંતા ઘેરી બની છે.

(8:03 PM IST)