<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રશિયા અને અમેરિકા પાછળ ફેંકાયા: ભારત યુરોપનો સૌથી મોટો ડીઝલ સપ્લાયર દેશ બન્યો

ઓગસ્ટ માસમાં યુરોપ જનારા ૬૦% ડીઝલનો પુરવઠો ભારતીય રિફાઇનર્સે પૂરો પાડ્યો: રશિયન રિફાઇનરીઓ પર ડ્રોન હુમલા અને યુએસ શિપમેન્ટમાં ઘટાડાથી વૈશ્વિક ઇંધણ બજારનું ચિત્ર બદલાયું

નવી દિલ્હી: મધ્ય પૂર્વના તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપો વચ્ચે ભારત વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે એક અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. રશિયન નિકાસમાં જોવા મળેલા મોટા ઘટાડા અને અમેરિકાથી થતા શિપમેન્ટમાં કડાકાને કારણે યુરોપિયન દેશો માટે ભારત ડીઝલનો મુખ્ય અને સૌથી વિશ્વાસપાત્ર સપ્લાયર બની ગયું છે. શિપિંગ ટ્રેકિંગ ડેટા પ્રોવાઇડર 'વોર્ટેક્સા' (Vortexa)ના તાજેતરના આંકડાઓને ટાંકીને ડિજિટલ મીડિયા રિપોર્ટ્સમાં આ મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન મહત્વપૂર્ણ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ  માર્ગ દ્વારા યુરોપ તરફ પરિવહન કરાયેલા કુલ ડીઝલના આશરે ૬૦% જેટલો હિસ્સો ભારતીય રિફાઇનરીઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. ગયા મહિને દરરોજ સરેરાશ ૨,૦૦૦,૦૦૦ (૨ લાખ) બેરલ ડીઝલ અને ગેસોઇલ આ મુખ્ય દરિયાઈ માર્ગે યુરોપ મોકલવામાં આવ્યું હતું, જે માર્ચ અને એપ્રિલ મહિનાના મધ્યમાં બંધ જેવા થયેલા પ્રવાહ બાદ ફરી જૂના સ્તરે પહોંચી ગયું છે.

ભારત વાર્ષિક ૨૫૮.૧ મિલિયન ટનની સ્થાપિત ક્ષમતા સાથે વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર દેશ છે. દેશમાં ઇંધણનું ઉત્પાદન સ્થાનિક માંગ કરતાં ઘણું વધારે હોવાથી ભારતીય રિફાઇનર્સ પાસે યુરોપ અને અન્ય દેશોની વધારાની માંગને પહોંચી વળવાની પૂરતી ક્ષમતા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતે કુલ ૬૧.૫ મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની સફળતાપૂર્વક નિકાસ કરી હતી.


બીજી તરફ, ઓગસ્ટ માસમાં બાબ-અલ-મંડેબ માર્ગથી યુરોપ જતો અમેરિકી ડીઝલનો પુરવઠો ઘટી ગયો હતો. આ સાથે જ યુક્રેનિયન ડ્રોન હુમલાઓને કારણે રશિયાની રિફાઇનરીઓ અને નિકાસ માળખાને મોટો ફટકો પડ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન રશિયન રિફાઇનરીઓ પર આશરે ૩૨ જેટલા ડ્રોન હુમલા નોંધાયા હતા. આ હુમલાઓના પરિણામે ૨,૬૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી પર્મ  રિફાઇનરી તેની ક્ષમતાના માત્ર ૨૮ ટકા પર આવી ગઈ હતી. ઓગસ્ટના પ્રથમ ૨૫ દિવસોમાં રશિયાની દરિયાઈ ડીઝલ નિકાસ ઘટીને માત્ર ૧,૫૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ રહી ગઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ દૈનિક ૬,૧૦,૦૦૦ બેરલનો મોટો ઘટાડો દર્શાવે છે.

(8:04 PM IST)