<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કિવમાં યુક્રેનના ગુપ્તચર મુખ્યાલય પર રશિયન ડ્રોનનો સીધો હુમલો: SBU વડાના કાર્યાલયને નિશાન બનાવાતાં મચ્યો ભયંકર અફરાતફરીનો માહોલ!

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ સેન્ટ સોફિયા કેથેડ્રલ સામે આવેલી ઈમારત પર હુમલો: ઝેલેન્સકીએ રશિયાને દયા વગરનો 'નોંધપાત્ર અને જડબાતોડ' જવાબ આપવા સૈન્યને આપ્યો આદેશ

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને ઘાતક વળાંક લઈ ચૂક્યું છે. શુક્રવારે મધ્ય કિવ સ્થિત યુક્રેનની સુરક્ષા સેવા SBU (Security Service of Ukraine) ના મુખ્ય વડાકોથક પર રશિયાએ એક મોટો ડ્રોન હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પુષ્ટિ કરી છે કે આ ડ્રોન હુમલો કોઈ સામાન્ય ઈમારત પર નહીં, પરંતુ સીધો SBU ના કાર્યકારી વડા ઓલેક્ઝાન્ડર પોકલાડના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

ઐતિહાસિક સેન્ટ સોફિયા કેથેડ્રલ સામે જ ત્રાટક્યું ડ્રોન:

કિવના અત્યંત સુરક્ષિત અને ઐતિહાસિક એવા વોલોડીમિર્સ્કા સ્ટ્રીટ પર આવેલા સેન્ટ સોફિયા કેથેડ્રલની બિલકુલ સામે જ આ ડ્રોન ત્રાટક્યું હતું. હુમલા બાદ ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને કિવના મેયરના જણાવ્યા મુજબ ઘટનામાં ઓછામાં ઓછા ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ આસપાસના ગોલ્ડન ગેટ અને નેશનલ ઓપેરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રશિયાના ન્યુક્લિયર બોમ્બર કમાન્ડર પર હુમલાનો બદલો:

નિષ્ણાતોના મતે, આ હુમલો રશિયન લશ્કરી અધિકારીઓ પર યુક્રેનની SBU દ્વારા કરવામાં આવી રહેલા ટાર્ગેટેડ હુમલાનો બદલો હોઈ શકે છે. તાજેતરમાં જ રશિયાના ૨૨મા હેવી બોમ્બર એવિએશન ડિવિઝનના કમાન્ડર ૫૬ વર્ષીય મેજર જનરલ નિકોલાઈ વર્પાખોવિચને તેમના ઘરમાં જ ચહેરા અને પેટના ભાગે ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમને ગંભીર હાલતમાં મોસ્કો ખસેડાયા છે.

કોકા-કોલા પ્લાન્ટ પર પણ હુમલો, ઝેલેન્સકીએ અમેરિકાને આપ્યો સંદેશ:

રશિયાએ કિવના ઉપનગરોમાં આવેલા અમેરિકન માલિકીના કોકા-કોલા પ્લાન્ટ પર પણ 'શાહેદ' ડ્રોન વડે હુમલો કરીને તેને સળગાવી દીધો હતો. ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "આ અમેરિકા માટે રશિયાનો એક સ્પષ્ટ સંકેત છે." દરમિયાન, SBU મુખ્યાલય પર થયેલા હુમલા બાદ ઝેલેન્સકીએ SBU વડા પોકલાડ અને યુક્રેનિયન સેનાને રશિયા સામે ત્વરિત, અતિ-નોંધપાત્ર અને આકરો પ્રતિહાર તૈયાર કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે.

(9:42 PM IST)