તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
યુક્રેનના અનેક શહેરોમાં ફરીવાર રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલા: 7 લોકોના મોત : અનેક ઘાયલ
ખાર્કિવ, ડ્નિપ્રો અને અન્ય વિસ્તારોમાં હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત: 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત :હુમલામાં રહેણાંક ઈમારતો ઉપરાંત ઓફિસ, ડેટા સેન્ટર અને અન્ય નાગરિક માળખાંને પણ નુકસાન

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના અનેક શહેરો ફરી એકવાર રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાથી ધ્રૂજી ઉઠ્યા. રાજધાની કીવ ઉપરાંત ખાર્કિવ, ડ્નિપ્રો અને અન્ય વિસ્તારોમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હુમલામાં રહેણાંક ઈમારતો,ઓફિસ, ડેટા સેન્ટર અને અન્ય નાગરિક માળખાંને પણ નુકસાન થયું છે.
રશિયન હુમલામાં કીવ સ્થિત યુક્રેનની નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસની ઈમારતને પણ નુકસાન પહોંચ્યું. હુમલા બાદ ઈમારતમાં આગ ફાટી નીકળી હતી અને બચાવકર્મીઓએ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. યુક્રેનના સ્ટેટ ઇમરજન્સી સર્વિસ અનુસાર, આ ઈમારત પરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ખાર્કિવમાં નવ માળની રહેણાંક ઈમારત પર થયેલા હુમલામાં 11 બાળકો સહિત 43 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. કીવમાં પણ રહેણાંક અને અન્ય નાગરિક વિસ્તારોને નુકસાન પહોંચ્યું છે. ડ્નિપ્રોમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ લોકોનાં મોત અને 12 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
રશિયન હુમલાની અસર યુક્રેનના સમુદ્રી વેપાર પર પણ જોવા મળી છે. કાળા સમુદ્રમાં એક માલવાહક જહાજને નિશાન બનાવાયું હોવાના અહેવાલ છે. આ ઉપરાંત કોર્નોમોર્સ્ક બંદર નજીક લંગર કરાયેલા અન્ય જહાજને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. આ ઘટનાથી યુક્રેનના અનાજ નિકાસ માર્ગને અસર થવાની ચિંતા વધી છે.
બીજી તરફ યુક્રેન તરફથી પણ રશિયન વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. યુક્રેનની સેના અનુસાર, પૂર્વી મોરચે તાજેતરની કામગીરી દરમિયાન આશરે 51 ચોરસ કિલોમીટર વિસ્તાર પર ફરી નિયંત્રણ મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન દ્વારા રશિયાના તુલા, વોરોનેઝ અને ક્રાસ્નોદાર વિસ્તાર સહિત કેટલાક સૈન્ય અને તેલ સંબંધિત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાઓનું પ્રમાણ સતત ચર્ચામાં છે. કીવ પર થયેલા તાજેતરના હુમલામાં વિજ્ઞાન, રહેણાંક અને અન્ય નાગરિક માળખાંને થયેલા નુકસાનથી યુદ્ધની માનવીય અને માળખાકીય અસર ફરી સામે આવી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
