તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
રાજસ્થાનની રણઝણતી ગરમીમાં રશિયન યોગિનીની 'અગ્નિ તપસ્યા': પુષ્કરમાં 9 સળગતી ધૂણીઓ વચ્ચે અન્નપૂર્ણા નાથની અકલ્પનીય સાધના!
કઝાકિસ્તાનથી પુષ્કર સુધીની આધ્યાત્મિક સફર; રશિયન મૂળની યોગિની વિશ્વ શાંતિ માટે 45 ડિગ્રી તાપમાનમાં કરી રહી છે કઠોર 'નવ-ધૂણી' તપસ્યા

પુષ્કર (અજમેર) | તા.૧૧: રાજસ્થાનમાં અત્યારે સૂર્યદેવ લાલચોળ છે અને આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે અજમેરના પવિત્ર તીર્થધામ પુષ્કરમાંથી ભક્તિ અને આત્મશક્તિના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને પશ્ચિમી જગત પણ આશ્ચર્યચકિત છે. રશિયામાં જન્મેલા અને કઝાકિસ્તાનમાં ઉછરેલા યોગિની અન્નપૂર્ણા નાથ અત્યારે પુષ્કરના સ્મશાનભૂમિ વિસ્તારમાં "9 ધુણી અગ્નિ તપસ્યા" કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય ધ્યાન નથી, પરંતુ નાથ સંપ્રદાયની એક એવી પરંપરા છે જેમાં શરીર અને મનનો અગ્નિ સાથે સીધો મુકાબલો થાય છે.
શું છે આ 'નવ-ધૂણી' તપસ્યા?
નાથ પંથની આ પ્રાચીન સાધના અત્યંત જોખમી અને કઠિન માનવામાં આવે છે. આ તપસ્યામાં:
• સાધકની ચારેબાજુ ગાયના છાણાં (ગોબરના ખોળ) થી નવ સળગતી ધૂણીઓ પ્રગટાવવામાં આવે છે.
• સાધક આ ધૂણીઓની મધ્યમાં બેસીને ભગવાન શિવના મંત્રોનો જાપ કરે છે.
• આ સાધના દરરોજ બપોરે ૧૧:૦૦ થી ૨:૧૫ વાગ્યા સુધી ચાલે છે – જે દિવસનો સૌથી ગરમ સમય હોય છે.
• ૨૧ છાણાંથી શરૂ થયેલી આ અગ્નિ છેલ્લા દિવસે ૧૦૮ છાણાં સુધી પહોંચે છે, જે તાપમાનને અસહ્ય સ્તરે લઈ જાય છે.
રશિયાની અન્નપૂર્ણા કેવી રીતે બની 'નાથ યોગિની'?
યોગિની અન્નપૂર્ણા નાથની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી. ભૂતપૂર્વ સોવિયેત યુનિયનમાં જન્મેલા અન્નપૂર્ણા ૧૭ વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા. અહીંની સનાતન સંસ્કૃતિ અને યોગથી તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે સાંસારિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરી દીધો. ૧૦ વર્ષ પહેલાં તેમણે વિધિવત દીક્ષા લીધી અને નાથ સંપ્રદાય અપનાવ્યો. તેઓ અત્યાર સુધીમાં ભારતની ૩૫ શક્તિપીઠોની યાત્રા કરી ચૂક્યા છે અને અગાઉ ૯ દિવસ સુધી ઊભા રહીને 'ખરેશ્વરી તપસ્યા' પણ કરી ચૂક્યા છે.
વિશ્વ કલ્યાણ અને આત્મશક્તિનો ઉમદા હેતુ
આ કઠોર તપસ્યા પાછળનો હેતુ સમજાવતા તેમના ગુરુ બાળ યોગી દીપક નાથ જણાવે છે કે, આ સાધના માત્ર શારીરિક કષ્ટ સહન કરવા માટે નથી, પરંતુ આત્મશક્તિ વધારવા અને વિશ્વ કલ્યાણ માટે છે. અન્નપૂર્ણા નાથ કહે છે, "આ અમારી રોજિંદી સાધનાનું પરિણામ છે. ૩ મેથી શરૂ થયેલી આ તપસ્યા ૨૫ મે સુધી ચાલશે."
ભરબપોરે જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે, ત્યારે આ વિદેશી યોગિની અગ્નિની જ્વાળાઓ વચ્ચે બેસીને જે રીતે મન પર વિજય મેળવી રહી છે, તે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો ભારતની પ્રાચીન પરંપરાના સામર્થ્યને નમન કરી રહ્યા છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
