<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: આકાશમાંથી વરસી તબાહી, ૮ ના મોત, ૬૦ થી વધુ ઘાયલ

૧૯ પ્રદેશોમાં એકસાથે ૩૭૯ આત્મઘાતી ડ્રોન ત્રાટક્યા: મોસ્કો અને તાંબોવમાં રશિયન રિટેલ જાયન્ટના વિશાળ વેરહાઉસ ધ્વસ્ત, તેલ ડેપોને પણ ફૂંકી માર્યો

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે એક અત્યંત વિનાશક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. ગઈકાલે મોડી રાત્રે યુક્રેને રશિયાની સરહદો ઓળંગીને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઈતિહાસનો સૌથી મોટો ડ્રોન હુમલો (Drone Strike) કર્યો છે. રશિયાના ૧૯ જેટલા જુદા-જુદા પ્રદેશોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ રાઉન્ડ-ધ-ક્લોક હુમલામાં આઠ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૬૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં આખી રાત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાત્રિ પાળીના કામદારો પર ત્રાટકી કાળમુખી આફત:

રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન ડ્રોન્સે રશિયાની એક અગ્રણી ઓનલાઈન રિટેલર કંપનીના બે વિશાળ કમર્શિયલ વેરહાઉસ (ગોડાઉન) ને સીધું નિશાન બનાવ્યું હતું. આમાંનો પહેલો ઘાતક હુમલો તાંબોવ પ્રદેશના કોટોવસ્ક શહેરમાં થયો હતો. તાંબોવના ગવર્નર યેવજેની પર્વીશોવે પુષ્ટિ કરી છે કે, વેરહાઉસ પર ડ્રોન પડવાને કારણે રાત્રિ પાળીમાં (Night Shift) કામ કરી રહેલા સાત નિર્દોષ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૨૫ લોકો લોહીલુહાણ થયા હતા. આવો જ બીજો ભયાનક હુમલો મોસ્કો નજીક આવેલા ઇલેક્ટ્રોસ્ટલ શહેરમાં બીજા વેરહાઉસ પર થયો હતો, જ્યાં મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવના જણાવ્યા મુજબ એક વ્યક્તિનું મોત થયું હતું અને ૩૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઝેલેન્સકીનો દાવો - રશિયાની સપ્લાય ચેઈનની કમર તોડી નાખી:

આ ભીષણ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર ગર્જના કરતા જણાવ્યું હતું કે, આ કોઈ સામાન્ય નાગરિક સ્થળો પરના હુમલા નહોતા. તેમણે દાવો કર્યો કે જે બે લોજિસ્ટિકલ સુવિધાઓ (વેરહાઉસ) ને નિશાન બનાવવામાં આવી છે, તેનો ઉપયોગ રશિયન સેના માટે ડ્રોન ઉત્પાદન અને નેવિગેશન સાધનોના પ્રતિબંધિત ઘટકો સપ્લાય કરવા માટે થતો હતો. આ ઉપરાંત, રશિયાની એક મોટી તેલ સુવિધા (ઓઈલ ડેપો) ને પણ સળગાવી દેવામાં આવી છે.

આકાશમાં જંગ: રશિયાએ ૩૭૯ ડ્રોન તોડી પાડ્યા:

બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense) એ રાત્રિ દરમિયાન રશિયન આકાશમાં પ્રવેશેલા યુક્રેનના ૩૭૯ ડ્રોનને તોડી પાડીને એક મોટી હોનારત ટાળી દીધી છે. જો કે, આટલી મોટી સંખ્યામાં ડ્રોન ત્રાટકવાને કારણે રશિયાના અનેક શહેરોમાં આખી રાત બ્લાસ્ટના અવાજો સંભળાતા રહ્યા હતા અને લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

(8:14 PM IST)