<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

રશિયાનો યુક્રેન પર ભયાનક હવાઈ હુમલોઃ ૧,૫૦૦ ડ્રોન અને ૧૦૦ મિસાઈલોથી કિવ ધણધણ્‍યું!

કિવ અને ખાર્કિવમાં વીજળી-પાણી ગુલ થતાં યુક્રેને અમેરિકા અને ચીન પાસે મદદની અપીલ કરીઃ ૯ માળની ઈમારત જમીનદોસ્‍ત થતાં ભારે તબાહી

કિવ, તા.૧૫: રશિયા અને યુક્રેન વચ્‍ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા લોહિયાળ જંગે હવે અત્‍યાર સુધીનું સૌથી ભયાનક અને રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. રશિયન સેનાએ એક સાથે ૧,૫૬૦ થી વધુ આત્‍મઘાતી ડ્રોન અને આશરે ૧૦૦ જેટલી ઘાતક મિસાઈલો છોડીને યુક્રેનની ધરતી પર આકાશમાંથી કાળ વરસાવ્‍યો છે. રાજધાની કિવ સહિત યુક્રેનના અનેક મુખ્‍ય શહેરો આ પ્રચંડ બોમ્‍બમારોથી ધણધણી ઉઠ્‍યા હતા. આ ભીષણ હવાઈ હુમલામાં કિવમાં પાંચ નાગરિકો સહિત દેશભરમાં ૧૧ થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્‍યા છે, જ્‍યારે ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્‍પિટલો ઉભરાઈ ગઈ છે.

આ આક્રમણ એટલું ભયાનક હતું કે ડ્રોન અલ્‍પાહારે જ કિવમાં આવેલી એક વિશાળ ૯ માળની રહેણાંક ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કોંક્રિટના કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. યુક્રેનના ગળહ પ્રધાન ઇહોર ક્‍લાઇમેન્‍કોના જણાવ્‍યા અનુસાર, કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને હજુ પણ ૧૦ લોકો ગુમ હોવાથી મળત્‍યુઆંક વધવાની પૂરેપૂરી સંભાવના છે. રશિયાએ આ વખતે ખાસ કરીને યુક્રેનના ઉર્જા ક્ષેત્રો અને પાવર પ્‍લાન્‍ટ્‍સને નિશાન બનાવ્‍યા હોવાથી દેશના ૧૧ પ્રાંતોમાં અંધારપટ છવાઈ ગયો છે અને પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે.

આ આપત્તિજનક પરિસ્‍થિતિ વચ્‍ચે યુક્રેનના રાષ્‍ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્‍સકીએ જણાવ્‍યું કે તેમની એર ડિફેન્‍સ સિસ્‍ટમે મોટાભાગના ડ્રોન હવામાં જ તોડી પાડ્‍યા હતા, પરંતુ બાકી બચેલા ઘાતક શષાોએ ૧૮૦ થી વધુ નાગરિક સુવિધાઓ અને ૫૦ થી વધુ રહેણાંક મકાનોને તબાહ કરી દીધા છે. બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને ઓડેસા બંદર પર પણ ભારે નુકસાન થયું છે, જ્‍યાં માસૂમ બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. આ વિનાશક હુમલા બાદ યુક્રેનના વિદેશ પ્રધાન એન્‍ડ્રી ત્‍સિબિહાએ વૈશ્વિક મહાસત્તાઓ એવા અમેરિકા અને ચીનને રશિયા પર તાત્‍કાલિક દબાણ લાવવા અને આ યુદ્ધનો અંત લાવવા માટે આક્રમક મધ્‍યસ્‍થી કરવાની વિનંતી કરી છે.

(3:32 PM IST)