<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાથી યુક્રેનમાં ત્રાહિમામ્: ૧૨ શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો : અડધા દેશમાં અંધારપટ

કિવ સહિત અનેક પ્રદેશોમાં પાવર સબસ્ટેશનોને નિશાન બનાવાયા: ઉદ્યોગો માટે વીજ મર્યાદિત કરાઈ : કલાકદીઠ કાપ લાદવાની જાહેરાત

કિવ: રશિયા દ્વારા યુક્રેન સામેના યુદ્ધમાં ફરી એકવાર ઉર્જા માળખાને નેસ્તનાબૂદ કરવાના હેતુથી ભીષણ હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે. રશિયાએ લ્વિવ સહિત અનેક યુક્રેનિયન પ્રદેશોમાં વીજળી મથકો અને પાવર સુવિધાઓ પર રાતોરાત અને વહેલી સવારે તૂટી પડીને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેના કારણે દેશના ૧૨ જેટલા પ્રદેશોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. કિવ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, આ તાજેતરના હુમલાઓને કારણે યુક્રેનના અડધા ભાગમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

યુક્રેનિયન ઉર્જા મંત્રાલયના પ્રથમ નાયબ પ્રધાન આર્ટેમ નેક્રાસોવના જણાવ્યા અનુસાર, રશિયાએ કિરોવોહરાદ, ઝાયટોમીર, લ્વિવ, ઓડેસા, રિવને, ટેર્નોપિલ અને ખ્મેલનીત્સ્કી સહિતના પ્રદેશોમાં વીજળી સુવિધાઓને નિશાન બનાવી હતી. જ્યારે યુક્રેનની રાજ્ય માલિકીની વીજ કંપની 'યુક્રેનર્ગો'ના અહેવાલ મુજબ, ૨૦ ઓક્ટોબરની સવારે કુલ ૧૨ પ્રદેશોમાં (જેમાં ઝાપોરિઝ્ઝિયા, ડોનેત્સ્ક, ખાર્કિવ, સુમી અને ચેર્નિહિવ પણ સામેલ છે) વીજળી ઠપ થઈ ગઈ હતી.

 પહેલેથી જ ક્ષતિગ્રસ્ત થયેલા વીજ ઉપકરણો પર વધારાનું દબાણ કે તાણ ન આવે તે માટે દેશભરના ઉદ્યોગોને અપાતી વીજળી મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં સામાન્ય નાગરિકો માટે કલાકદીઠ વીજ કાપ પણ લાદવામાં આવશે.

યુક્રેનના ઉર્જા મંત્રાલયે રશિયા પર યુક્રેનના ઉર્જા ક્ષેત્ર પર વ્યવસ્થિત અને ઇરાદાપૂર્વક હુમલા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વર્ષ ૨૦૨૨માં રશિયાનું સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ થયા પછી યુક્રેન હવે તેના પાંચમા શિયાળામાં પ્રવેશી રહ્યું છે, અને આવી કડકડતી શિયાળાની ઋતુમાં વીજળી ગુલ થવાથી સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે રશિયાએ તાજેતરના આ હુમલાઓમાં ૨૮ પાવર સબસ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ ઉર્જા સુવિધાઓને ટાર્ગેટ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રશિયાએ આ ભીષણ હુમલામાં ૧૬ બેલિસ્ટિક મિસાઇલો અને ૨૦૦થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જે ખાસ કરીને કિવ અને તેની આસપાસના પ્રદેશો પર કેન્દ્રિત હતા.

(6:18 PM IST)