તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
રશિયાના 'શેડો ફ્લીટ' પર યુક્રેનનો કાળઝાળ ડ્રોન હુમલો: એઝોવ સમુદ્રમાં 8 ઇંધણ ટેન્કરો ફૂંકી માર્યા : ક્રિમીઆમાં તેલ-ગેસ માટે હાહાકાર
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ઘોળીને પી જતાં મોસ્કોના રહસ્યમય નૌકાદળ કાફલાના 50,000 ટન ઇંધણને યુક્રેનની ડ્રોન ફોર્સે દરિયાની વચ્ચે જ ભસ્મીભૂત કરી નાખ્યું : રશિયન સૈન્યની સપ્લાય લાઇન તૂટતાં ક્રિમીઆમાં ઇમરજન્સી જાહેર

કિવ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં કિવની આર્મીએ મોસ્કોને અત્યાર સુધીનો સૌથી મોટો નૌકાદળ આંચકો આપ્યો છે. યુક્રેનની ઘાતક 'માનવરહિત સિસ્ટમ્સ ફોર્સ' (ડ્રોન આર્મી) એ એઝોવ સમુદ્રમાં રશિયાના અત્યંત ગુપ્ત અને પ્રતિબંધિત ગણાતા "શેડો ફ્લીટ" (પરછાયા કાફલા) ના આઠ તોતિંગ ઇંધણ ટેન્કરો પર એકસાથે ત્રાટકીને તેમને તબાહ કરી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર આ ભયાનક ઓપરેશનના બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રોન ફૂટેજ જાહેર કરતા યુક્રેને દાવો કર્યો છે કે, આ તમામ જહાજો રશિયા દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ક્રિમીઆ દ્વીપકલ્પ પર રશિયન આર્મી માટે ઇંધણ અને ગેસોલિનનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા હતા, જેમને રસ્તામાં જ મિસાઇલ અને આત્મઘાતી ડ્રોન વડે ફૂંકી મારવામાં આવ્યા છે.
ગ્લોબલ ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, આ હુમલાનો મુખ્ય હેતુ રશિયન સેનાની સપ્લાય લાઇનને કાયમ માટે તોડી પાડવાનો હતો, જેમાં યુક્રેનને અભૂતપૂર્વ સફળતા મળી છે. નાશ પામેલા આ આઠેય હાઇ-પ્રોફાઇલ ટેન્કરોમાંથી પ્રત્યેકનું વજન આશરે 7,000 ટન હતું, જેઓ કેર્ચ સ્ટ્રેટના દરિયાઈ માર્ગેથી મોસ્કોને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચાવીને તેલની હેરાફેરી કરતા હતા. યુક્રેનિયન સેનાના જણાવ્યા અનુસાર, હુમલા સમયે આ આખો કાફલો અંદાજે 40,000 થી 50,000 ટન પેટ્રોલિયમ ઉત્પાદનોથી સંપૂર્ણ લોડ હતો, જે દરિયાની વચ્ચે જ સળગીને ખાખ થઈ ગયો છે. આ પ્રચંડ બ્લાસ્ટમાં 'શેડો ફ્લીટ' ના અન્ય બે લોજિસ્ટિક્સ જહાજો પણ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે પુતિનની સેના માટે દારૂગોળો અને તેલ પહોંચાડવાનો આખો રૂટ બ્લોક થઈ ગયો છે.
આ સનસનાટીભર્યા લશ્કરી એક્શનના કારણે ક્રિમીઆ દ્વીપકલ્પ પર અચાનક જ ગેસોલિન, તેલ અને ગેસની ભયંકર અછત સર્જાઈ છે. યુક્રેનિયન ડ્રોનના આ તાંડવથી રશિયન વહીવટીતંત્ર એટલું ફફડી ગયું છે કે તેમણે ક્રિમીઆના કેટલાક મુખ્ય ભાગોમાં તાત્કાલિક ધોરણે કટોકટીની સ્થિતિ જાહેર કરવી પડી છે અને વાહનો માટે ઇંધણ પર કાપ મૂક્યો છે. વર્ષ 2014 માં રશિયાએ ક્રિમીઆ પર જબરદસ્તીથી કબજો કર્યો હતો અને 2022 ના આક્રમણ બાદ તે રશિયન સેનાનું મુખ્ય થાણું બન્યું છે. કિવ વારંવાર પશ્ચિમી સાથી દેશોને રશિયાના આ ગેરકાયદેસર 'શેડો ફ્લીટ' ના જહાજો સામે કડક પગલાં લેવા વિનંતી કરતું હતું, પરંતુ આ વખતે યુક્રેને પોતે જ આ દરિયાઈ માફિયા કાફલાને સમુદ્રના તળિયે મોકલીને મોસ્કોના અહંકારને ચૂર-ચૂર કરી નાખ્યો છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
