તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
પાકિસ્તાન પ્રેમી અમેરિકાને એસ. જયશંકરનો ખુલ્લો પડકાર: "આતંકવાદ પ્રત્યે સહાનુભૂતિ બતાવશો તો ભારત સાથેના સંબંધો પર પૂરશે પૂર્ણવિરામ!"
એશિયા સોસાયટીના મંચ પરથી ભારતના વિદેશ મંત્રીએ અમેરિકા-પાકિસ્તાનની વધતી દોસ્તી સામે આકરા પ્રહાર કર્યા; વેપારથી લઈને સરહદી સુરક્ષા સુધીના મુદ્દે તીખા ચાબખા માર્યા

નવી દિલ્હી, તા.29: દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાને ભારતે અત્યાર સુધીનો સૌથી કડક અને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂ યોર્કમાં આયોજિત 'એશિયા સોસાયટી'ના મંચ પરથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના વધતા પ્યાર પર ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જયશંકરે વિદેશી રાજનીતિના તમામ નિયમોને બાજુ પર મૂકીને ચપટી વગાડતા કહી દીધું છે કે, જો પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પ્રત્યે કોઈ પણ દેશ સહાનુભૂતિ કે નરમ વલણ દાખવશે, તો તે દેશ સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો પર તેની ગંભીર અને સીધી અસર પડશે.
અમેરિકાની 'બેવડી નીતિ' સામે ભારતનો લાલડોળો
ન્યૂ યોર્કના કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દાયકાઓથી પાડોશી દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદનો સંતોષકારક નહીં પરંતુ અત્યંત દર્દનાક ભોગ બનતું આવ્યું છે. તેમણે અમેરિકાનું નામ લીધા વિના જ કાન ખેંચતા કહ્યું કે, "એકબીજાની મુખ્ય સંવેદનશીલતાઓનો આદર કરવો એ જ સાચી ભાગીદારી છે. જો આપણો જ કોઈ વ્યૂહાત્મક ભાગીદાર દેશ આતંકવાદ જેવા અત્યંત નાજુક મુદ્દે આપણી ચિંતાઓને નજરઅંદાજ કરશે, તો સંબંધોમાં ખટાશ આવવી સ્વાભાવિક છે." જયશંકરના આ આકરા વલણથી વોશિંગ્ટનના રાજદ્વારી વર્તુળોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફની દોસ્તીથી ભારત અસંતુષ્ટ
છેલ્લા કેટલાક સમયથી વાઇટ હાઉસ દ્વારા પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ દાખવવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વારંવાર મધ્યસ્થતાના દાવા કર્યા હતા અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું વોશિંગ્ટનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના આ વલણને કારણે યુરોપના દેશો પણ પાકિસ્તાન સાથે ફરી સંબંધો સુધારી રહ્યા છે, જેનાથી ભારતની આતંકવાદ વિરોધી વૈશ્વિક રણનીતિને ધક્કો પહોંચી રહ્યો છે. નવી દિલ્હીને ભય છે કે અમેરિકાની આ છૂટછાટોના કારણે પાકિસ્તાન ફરીથી ભારતીય સરહદો પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે મોકળું મેદાન મેળવી લેશે.
વેપાર મુદ્દે સ્પષ્ટ સંકેત: "અમે નાના ખેડૂતો અને વેપારીઓના હિતોનો બલિદાન નહીં આપીએ"
અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો અંગે પણ જયશંકરે ભારતીય પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, "ભારત અને અમેરિકા વચ્ચે માથાદીઠ આવક અને આર્થિક માળખામાં જમીન-આસમાનનો ફરક છે. ભારત નાના ઉત્પાદકો, નાના ખેડૂતો અને નાના કારખાનાઓથી ચાલતો દેશ છે." વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કરાર ઉતાવળમાં પૂરો કરવા માટે ભારત પોતાના સ્થાનિક હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે કરાર લગભગ આખરી તબક્કામાં છે પરંતુ અમેરિકી પ્રક્રિયાના કારણે થોડો વિલંબ થયો છે.
દરમિયાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ પણ સાત દિવસીય યુએસ મુલાકાતે પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ G-20 વેપાર પ્રધાનોની બેઠક સાથે આ વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકી અધિકારીઓ સાથે વાટાઘાટો કરશે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
