<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારી યુવતીઓ અંગે સાધ્વી પ્રાચીનું વિવાદસ્પદ નિવેદન: "મોબાઇલમાં સેવ કરો ફોટા, નહિતર વહુ બનીને ઘરમાં આવશે"

આગ્રાના ઐતિહાસિક રાજેશ્વર મેળો ૨૦૨૬ ના ઉદ્ઘાટન પ્રસંગે હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીએ જંતર-મંતર પર વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરનારાઓ પર આકરા પ્રહાર કર્યા અને લોકોને સજાગ રહેવા અપીલ કરી

આગ્રા :  આગ્રાના પ્રાચીન રાજેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે યોજાયેલા ‘રાજેશ્વર મેળો ૨૦૨૬’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીના એક નિવેદને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સાધ્વી પ્રાચીએ ભગવાન રાજેશ્વર મહાદેવના ડોલાને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. "હર હર મહાદેવ"ના ગગનભેદી નારા અને બેન્ડવાજાના તાલે નીકળેલી આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંતુ આ ધાર્મિક મંચ પરથી સાધ્વી પ્રાચીએ દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરીને વાતાવરણમાં સસપન્સ અને ચર્ચા જગાવી દીધી હતી.

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કથિત રીતે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરનારી યુવતીઓ પર આકરા પ્રહાર કરતા સાધ્વી પ્રાચીએ સભામાં ઉપસ્થિત લોકોને એક વિચિત્ર અને આશ્ચર્યજનક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન સામે અપશબ્દો બોલનારી યુવતીઓના ફોટા તમારા મોબાઇલ ફોનમાં સેવ કરીને રાખો, જેથી ભૂલથી પણ તે તમારા પરિવાર કે સગા-સંબંધીઓમાં કોઈના ઘરની વહુ ન બની જાય." સાધ્વી પ્રાચીએ ચિંતા વ્યક્ત કરતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આવી અસંસ્કૃત અને ભાષાની મર્યાદા ચૂકતી દીકરીઓ આપણા સમાજને કઈ દિશામાં ધકેલવા માંગે છે?

પોતાના સંબોધનમાં તેમણે ધાર્મિક અને નૈતિક મૂલ્યો પર ભાર મુકતા દરેક પરિવારને પોતાની દીકરીઓને શ્રેષ્ઠ "સંસ્કાર" આપવા આહ્વાન કર્યું હતું. તેમણે રાણી લક્ષ્મીબાઈ જેવી વીર નારીઓમાંથી પ્રેરણા લેવાની સલાહ આપતા જણાવ્યું કે, જીવનમાં સંસ્કારો અને મૂલ્યોનો અભાવ જ વ્યક્તિને અપશબ્દો અને અસભ્ય વર્તન તરફ લઈ જાય છે. રાજેશ્વર મેળાના પવિત્ર મંચ પરથી આપવામાં આવેલું તેમનું આ વિવાદસ્પદ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને રાજકીય ગલિયારામાં તીવ્ર ચર્ચાનો વિષય બન્યું છે.

(7:53 PM IST)