News of Saturday, 28th November 2026
ભગવો કુર્તો અને પીળી પાઘડીઃ અનંત અંબાણી રાતના સમયે કરી ગોવર્ધન પરિક્રમા
ગિરિરાજ મહારાજની પૂજા-અર્ચના અને દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ રાત્રિના સમયે પગપાળા ૧૨ કિમીની ગોવર્ધન પરિક્રમા કરી

મથુરા,તા.૨૮: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી આધ્યાત્મિક યાત્રા પર ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી મથુરા-વૃંદાવન પહોંચ્યા છે. તેમની આ મુલાકાત ખાસ કરીને પવિત્ર ગોવર્ધન પરિક્રમા માટે છે. બ્રજભૂમિ પહોંચતાની સાથે જ તેઓ સંપૂર્ણપણે કૃષ્ણભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. તેમના આગમનના સમાચાર મળતાં જ ગોવર્ધન અને વૃંદાવનનાં મંદિરો તેમજ પરિક્રમા માર્ગ પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી હતી.
ગોવર્ધન પહોંચ્યા બાદ અનંત અંબાણી સૌથી પહેલાં જતીપુરા સ્થિત પ્રસિદ્ધ ગોવર્ધન ગિરિરાજ મુખારવિદ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ગિરિરાજ મહારાજનાં દર્શન અને પૂજન કર્યા હતા. ત્યારબાદ તેઓ ગિરિરાજ મહારાજની દિવ્ય શૃંગાર આરતીમાં સામેલ થયા હતા અને ભક્તિભાવથી શીશ ઝુકાવ્યું હતું.
શૃંગાર આરતી પૂર્ણ થયા બાદ અનંત અંબાણી મદન મોહનજી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં દર્શન અને પૂજન કર્યા બાદ મંદિરના સેવાયતે તેમને વિશેષ આશીર્વાદ આપ્યા હતા અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં તેમની સાદગી અને ઊંડી શ્રદ્ધાએ ત્યાં હાજર ભક્તોનાં દિલ જીતી લીધાં હતાં.
ગિરિરાજ મહારાજની પૂજા-અર્ચના અને દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ રાત્રિના સમયે પગપાળા જ ગોવર્ધન પરિક્રમાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમનો પરંપરાગત અને આધ્યાત્મિક અંદાજ જોવા જેવો હતો. ચમકદાર ભગવા રંગનો ભરતકામ કરેલો કુર્તો-પાયજામો અને માથે પીળી પાઘડી પહેરીને તેઓ પૂરા ઉત્સાહ સાથે પરિક્રમા માર્ગની રેલિગની બાજુમાં આગળ વધતા જોવા મળ્યા હતા.
ચારેય તરફ ગુંજતા 'રાધે-રાધે'ના જયઘોષ અને ભગવાન શ્રીકૃષ્ણનાં મધુર ભજનોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પરિક્રમા દરમિયાન તેમની આસપાસ સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ, અંગત ગાર્ડ્સ અને સ્થાનિક પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો. રાત્રિના અજવાળામાં પરિક્રમા માર્ગ પર ચાલતા અનંત અંબાણીની એક ઝલક મેળવવા અને આ ક્ષણને કેમેરામાં કેદ કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મીડિયા કર્મચારીઓ પણ તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોમાં પવિત્ર ગોવર્ધન પર્વતની પરિક્રમાનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. હિદુ પરંપરા અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં જ્યારે બ્રજવાસીઓ પર મુશળધાર વરસાદનું સંકટ આવ્યું હતું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડીને તમામ બ્રજવાસીઓની રક્ષા કરી હતી.
ત્યારથી આ પવિત્ર પર્વતની પરિક્રમાને અત્યંત પુણ્યદાયી અને મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી ગિરિરાજજીના શરણે આવીને પરિક્રમા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, રાત્રે ગિરિરાજજીની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે સવારે તેઓ વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ બાંકે બિહારીજી મંદિરે પહોંચશે, જ્યાં ઠાકોરજીનાં દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરશે.
તેમની સૂચિત મુલાકાતને ધ્યાનમાં રાખીને મંદિર વિસ્તારમાં પણ સુરક્ષા અને વ્યવસ્થાઓ સઘન રાખવામાં આવી છે. બાંકે બિહારીજી મંદિરમાં દર્શન-પૂજન પૂર્ણ થયા બાદ તેઓ પોતાની આગળની યાત્રા માટે આગ્રા જવા રવાના થશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
