<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

“ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે” - આગ્રામાં રામકથા ‘માનસ ઋષિ પંચમી’ દરમિયાન પૂ. મોરારિબાપુનું તત્ત્વ દર્શન

‘કરુણાનિધાન’ સંસ્થા દ્વારા આયોજિત રામકથાના ત્રીજા દિવસે ભાવિકોએ લીધો કથાશ્રવણ અને ઋષિ પ્રસાદનો લાભ : ઋષિ અને મુનિ વચ્ચેના સૂક્ષ્મ ભેદનું સરળ નિરૂપણ કરાયું

આગ્રા : વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન એટલે કે આગ્રા ખાતે પવિત્ર રામકથા ‘માનસ ઋષિ પંચમી’નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. પૂ. મોરારિબાપુના વ્યાસાસને યોજાઈ રહેલી આ રામકથાનો સ્થાનિક તેમજ દૂર-સુદૂરથી પધારેલા વિશાળ સંખ્યામાં ભાવિક શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. કથા દરમિયાન પૂ. મોરારિબાપુ દ્વારા સાંપ્રત સમાજ અને ધર્મશાસ્ત્રોનું અત્યંત સરળ અને માર્મિક નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.

ઋષિ અને મુનિનું તત્ત્વ દર્શન:
રામકથાના ત્રીજા દિવસે પૂ. મોરારિબાપુએ ઋષિ અને મુનિનું તત્ત્વ દર્શન કરાવતાં જણાવ્યું હતું કે, ઋષિ એ વિશેષ કરીને બહિર્મુખી હોય છે અને બ્રહ્માંડનું દર્શન કરાવે છે, જ્યારે મુનિ એ વિશેષ કરીને ભીતરની યાત્રા કરીને પિંડનું દર્શન કરાવે છે. આમ, ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે. આ સાથે જ તેમણે બંને વચ્ચે કોઈ ભેદ ન ગણવાની સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે ઋષિ અને મુનિ બંને સમાજ માટે વંદનીય છે.

ઋષિ પ્રસાદ ભોજનનો લાભ લેવા આહ્વાન:
‘કરુણાનિધાન’ સંસ્થા દ્વારા આયોજિત આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. પૂ. મોરારિબાપુએ સૌ ભાવિક શ્રોતાઓને કથા રસપાનની સાથે અહીંયા આયોજિત 'ઋષિ પ્રસાદ' ભોજનનો લાભ લેવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:05 PM IST)