News of Monday, 29th June 2026
પુત્ર તૈમુરના નામ પર સૈફ અલી ખાનના નવા ખુલાસાથી સોશિયલ મીડિયા પર હોબાળો!: કરીના કપૂર અને સૈફના પોતાના જ જૂના નિવેદનો વચ્ચે વિરોધાભાસ છતો થતાં ટ્રોલ્સના નિશાને 'નવાબ'
પાડોશના બાળક પરથી નામ રાખ્યું હોવાનો સૈફનો નવો દાવો: જ્યારે કરીનાના જૂના ઇન્ટરવ્યુએ પોલ ખોલી - "સૈફને ઇતિહાસ ગમે છે અને તે મોંગોલ શાસક તૈમૂરનો ફેન હતો!"

મુંબઈ : બોલિવૂડના પાવર કપલ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર (Kareena Kapoor) ના મોટા પુત્ર તૈમુર અલી ખાનના નામનો વિવાદ વર્ષો પછી ફરી એકવાર જીવંત થયો છે. હાલમાં જ એક કાર્યક્રમ 'વી ધ વુમન' (We The Women) માં હાજરી આપતી વખતે સૈફ અલી ખાને તૈમુરના નામકરણ પાછળ એક તદ્દન નવો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે, સૈફનો આ નવો દાવો તેના અને કરીના કપૂરના અગાઉના સત્તાવાર નિવેદનો કરતાં બિલકુલ ઉલટો હોવાનું નેટીઝન્સે પકડી પાડ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે.
"અમે પાડોશના બાળકથી પ્રેરિત થયા હતા" - સૈફનો નવો રાગ
ટોક શો દરમિયાન સૈફે દાવો કર્યો કે, "અમારા ઘરની બાજુમાં એક બાળક રહેતું હતું, જેનું નામ તૈમુર હતું. તેનો અર્થ 'લોખંડ' (Iron) થતો હતો. આ નામનો અવાજ અમને ખૂબ ગમ્યો અને મેં તથા કરીનાએ તેના પર ચર્ચા કરી પુત્રનું નામ તૈમુર રાખ્યું. અમને બિલકુલ ખ્યાલ નહોતો કે આ નામ આટલું વિવાદાસ્પદ સાબિત થશે... લોકો કહે છે કે ભારત પર આક્રમણ કરનાર એક એશિયન તુર્કી શાસકનું નામ પણ આવું જ હતું, જેનો ખૂબ જ નકારાત્મક ઇતિહાસ છે." સૈફના આ નિવેદનથી એવું દર્શાવવાનો પ્રયાસ થયો કે તેઓ આ નામના ઐતિહાસિક જોડાણથી તદ્દન અજાણ હતા.
કરીના કપૂરના જૂના વિડીયોએ ખોલી નાખી સૈફની પોલ!
સૈફનો આ નવો ખુલાસો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે કરીના કપૂરનો એક જૂનો ઇન્ટરવ્યુ શોધી કાઢ્યો, જે સૈફના દાવાની ધજ્જિયાં ઉડાવે છે. એ વિડીયોમાં કરીના સ્પષ્ટપણે કહેતી સંભળાય છે કે, "સૈફને ઇતિહાસ (History) વાંચવાનો ભારે શોખ છે. તે કયા યોદ્ધાઓને પસંદ કરે છે તે બાબતે તે ખૂબ સ્પષ્ટ છે. તે બાળપણથી જ મોંગોલ શાસક તૈમૂર (Timur) વિશે ઘણું વાંચતો આવ્યો છે અને તે તેનો મોટો ફેન હતો. આ નામ રાખવાનો પૂરો શ્રેય સૈફને જ જાય છે."
સૈફે પોતે પણ વર્ષો પહેલા સ્વીકાર્યું હતું અસલી સત્ય
કરીના જ નહીં, પણ ખુદ સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૬ માં 'મુંબઈ મિરર' ને આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે તૈમૂરના વારસાથી વાકેફ હતો. તે સમયે સૈફે કહ્યું હતું, "હું તુર્કી શાસકના વારસાથી સારી રીતે વાકેફ છું, જેનું નામ તૈમૂર હતું. પરંતુ મારો પુત્ર તૈમૂર છે, જે એક પ્રાચીન પર્શિયન શબ્દ છે જેનો અર્થ લોખંડ થાય છે." હવે અચાનક સૈફ એવું કહી રહ્યો છે કે તેને ઇતિહાસની ખબર જ નહોતી, જેના કારણે લોકો કહી રહ્યા છે કે સૈફ અલી ખાન જૂઠું બોલી રહ્યો છે.
૨૦૧૬ થી શરૂ થયેલો વિવાદ હજુ પણ અકબંધ
ઉલ્લેખનીય છે કે, ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ જ્યારે કરીનાએ તૈમુરને જન્મ આપ્યો, ત્યારે ભારત પર આક્રમણ કરી લાખો નિર્દોષોની કતલ કરનાર ક્રૂર ઇસ્લામિક શાસક 'તૈમૂર લંગ' સાથે નામ જોડાવા બદલ આખા દેશમાં સૈફ-કરીનાનો ભારે વિરોધ થયો હતો. જોકે, વિરોધ છતાં કપલે નામ બદલવાનો ઇનકાર કર્યો હતો. 5 વર્ષના ડેટિંગ બાદ ૨૦૧૨ માં લગ્ન કરનાર આ દંપતીએ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ તેમના બીજા પુત્ર જહાંગીર (જેહ) અલી ખાનનું સ્વાગત કર્યું હતું, જેના નામ પર પણ મુઘલ કનેક્શનના કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
