તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
સલમાન ખાને સત્તાવાર રીતે યુટ્યુબ પર ડેબ્યુ કરીને ચાહકોને મોટું સરપ્રાઇઝ આપ્યું
ઇન્સ્ટાગ્રામ પર "શરૂ સે શરૂ કરતે હૈં" કેપ્શન સાથે તેમણે ચેનલની જાહેરાત કરી:લાઈફસ્ટાઈલથી લઈને સિનેમા સુધીનું 'A થી Z' કન્ટેન્ટ જોવા મળશે.

મુંબઈ :બોલિવૂડના'દબંગ' સુપરસ્ટાર સલમાન ખાને પોતાના લાખો ચાહકોને એક મોટો સરપ્રાઈઝ આપતાં સત્તાવાર રીતે યુટ્યુબ પર ડેબ્યુ કર્યું છે. આ દિવસોમાં તેઓ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની 20મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે બોડી શેમિંગ, ટ્રોલિંગ અને પાપારાઝી દ્વારા અયોગ્ય એંગલથી ફોટા ક્લિક કરવા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવીને પ્રશંસા મેળવી હતી. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નવી યુટ્યુબ ચેનલની જાહેરાત કરીને ડિજિટલ સ્પેસમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે.
સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ટૂંકો વીડિયો શેર કરીને પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અંગે માહિતી આપી હતી. આ વીડિયો દર્શાવે છે કે ચેનલ માત્ર કોઈ એક ચોક્કસ વિષય પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમાં વિવિધ પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. વીડિયો શેર કરતાં સલમાન ખાને લખ્યું હતું કે, "શરૂ સે શરૂ કરતે હૈં... મારો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, A થી Z સુધી, અહીં બધું મળશે." ચેનલ લોન્ચ થયાના પ્રારંભિક 9 કલાકમાં જ આ જાહેરાતના વીડિયોને 1.3 K થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા અને ચાહકો ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
પોતાના ડેબ્યુ વીડિયોમાં સલમાન ખાન એકદમ કેઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ અંદાજમાં ઓરેન્જ કલરના શોર્ટ્સમાં જોવા મળે છે. તેમનો આ સાદો અંદાજ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ઉપરાંત ચેનલનો બાયો (Bio) પણ ખૂબ જ સાદો અને સ્પષ્ટ રાખવામાં આવ્યો છે. જેમાં લખાયું છે: "ફિલ્મ એક્ટર, આર્ટિસ્ટ, પેઇન્ટર, સમાજસેવી, આ મારી ઓફિશિયલ ચેનલ છે." મુખ્ય એનાઉન્સમેન્ટ વીડિયો પહેલાં જ આ ચેનલ પર 8 શોર્ટ્સ અપલોડ કરી દેવામાં આવ્યા હતા, જેથી ચાહકોમાં આગામી કન્ટેન્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલાં પણ બોલિવૂડના અનેક કલાકારો યુટ્યુબ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક સક્રિય છે. આલિયા ભટ્ટ , જેકલીન ફર્નાન્ડીઝ , ફરાહ ખાન, અર્ચના પૂરન સિંહ, સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી, વરુણ ધવન અને શિલ્પા શેટ્ટી કુંદ્રા જેવા સિતારાઓ આ માધ્યમનો ઉપયોગ ટ્રાવેલ વ્લોગ, રસોઈના વીડિયો, બિહાઇન્ડ-ધ-સીન્સ ફૂટેજ, દૈનિક લાઈફસ્ટાઈલ અને ફિટનેસ કન્ટેન્ટ માટે નિયમિત કરે છે. હવે સલમાન ખાન પણ પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનના પાસાંઓ આ ચેનલ મારફતે લોકો સમક્ષ મૂકશે.
સલમાન ખાન હાલમાં સાઉથના પ્રખ્યાત ડિરેક્ટર વામશી પેદિપલ્લી થે આગામી મોટા પ્રોજેક્ટ 'SVC63' સાથે સંકળાયેલા છે. આ મોટા બજેટની ફિલ્મનું નામ 'મોન્સ્ટર' રાખવામાં આવ્યું છે અને તે ઈદ 2027 પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
