<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પહેલગામના પનોતા પુત્રને સલામ: જેણે પ્રવાસીઓને બચાવવા આતંકવાદીઓની રાઈફલ ખેંચી લીધી, તે 'હીરો' ના પરિવારને મળ્યું આલીશાન ઘર

૨૨ એપ્રિલ ૨૦૨૫ના કાળા દિવસે લશ્કરના આતંકીઓ સામે ઢાલ બનીને ઉભેલા ૨૮ વર્ષીય શહીદ આદિલ હુસૈન શાહની પ્રથમ પુણ્યતિથિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપેલું વચન પાળ્યું: ગામમાં બંધાવ્યું નવું 'પાકું ઘર'

કાશ્મીરની રળીયામણી ખીણોમાં જ્યારે આતંકવાદીઓની ગોળીઓનો ગડગડાટ ગુંજ્યો, ત્યારે એક સામાન્ય પોની ઓપરેટર અસામાન્ય શૌર્ય બતાવી 'રાષ્ટ્રીય નાયક' બની ગયો. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામના બૈસરન મેદાનમાં જ્યારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો, ત્યારે ૨૮ વર્ષીય આદિલ હુસૈન શાહ ભાગવાને બદલે પ્રવાસીઓ અને મોતની વચ્ચે ઢાલ બનીને ઉભો રહ્યો. પ્રત્યક્ષદર્શીઓના મતે, આદિલે ખાલી હાથે આતંકવાદીઓની રાઈફલ છીનવી લેવાનો સાહસિક પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં શહીદ થયેલા ૨૬ લોકોમાં આદિલ એકમાત્ર સ્થાનિક કાશ્મીરી હતો, જેણે માનવતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.

આદિલના આ સર્વોચ્ચ બલિદાનની કદર કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ માનવતા અને રાષ્ટ્રીય એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યાર સુધી લાકડા અને માટીના જર્જરિત મકાનમાં રહેતા આદિલના પરિવાર માટે શિંદેએ શિવસેનાની પહેલ પર આશરે ૧૦ થી ૧૨ લાખ રૂપિયાના ખર્ચે એક આધુનિક અને વૈભવી ઘર ભેટમાં આપ્યું છે. ગતરોજ આ ઘરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મહારાષ્ટ્રના મંત્રીઓએ રૂબરૂ હાજર રહી પરિવારને ચાવીઓ સોંપી હતી. આ ઘર માત્ર ઈંટોની ઈમારત નથી, પણ મહારાષ્ટ્ર અને કાશ્મીર વચ્ચેના અતૂટ સંબંધોનું પ્રતીક બની ગયું છે.

શહીદના પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ કોઈ કસર છોડી નથી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આદિલની પત્નીને સરકારી નોકરી અને પરિવારને ૨૦ લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી છે. તે ઉપરાંત, પરિવારને રોજગારી મળે તે હેતુથી તેના ભાઈને વક્ફ બોર્ડમાં નોકરી અને ૧૨ લાખની કિંમતની નવી કેબ પણ આપવામાં આવી છે. આજે આખું પહેલગામ આદિલની વીરતાને યાદ કરી રહ્યું છે, જેણે સાબિત કરી દીધું કે કાશ્મીરની ધરતી પર આતંકવાદ કરતા માનવતાનો જુસ્સો હંમેશા મોટો રહેશે.

(11:47 PM IST)