<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન માટે રૂ. ૨૩૧ કરોડથી વધુની ફાળવણી : વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન

​શિક્ષણ, હોસ્ટેલ, લાયબ્રેરી અને આશ્રમોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ચેર સેન્ટર સ્થાપવામાં આવશે તથા તમામ તાલુકાઓમાં સમરસ ભવન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ​ગાંધીનગર: ૧૫મી ગુજરાત વિધાનસભાના ૯મા સત્રના બીજા દિવસે વિધાનસભાના નિયમોના નિયમ-૪૪ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સૂચિત પ્રકલ્પો માટે રૂ. ૨૩૧ કરોડથી વધુની રકમ ફાળવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

​‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે સામાજિક એકતાનો સંદેશ:
​મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આ વર્ષે સંત શિરોમણિ ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ સામાજિક એકતા અને સમરસતાના ઐતિહાસિક મહોત્સવ તરીકે ઉજવાઈ રહી છે. સંત રવિદાસજી મહારાજ સમાનતા, સામાજિક ન્યાય, પ્રેમ, કરુણા અને માનવતાના પ્રણેતા હતા. તેમની વાણી શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં પણ સ્થાન પામી છે. તેમણે ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’ નું ઉદાહરણ આપીને માનવતાને જ સૌથી મોટો ધર્મ ગણાવ્યો હતો.

​રૂ. ૨૩૧ કરોડથી વધુના સૂચિત પ્રકલ્પોની વિગતો:
​રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મારફતે નીચે મુજબના આઠ મુખ્ય પ્રકલ્પો માટે ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે:
*​ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ભવન: સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સ્તરે શિક્ષણ, હોસ્ટેલ, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ માટે રૂ. ૪૦ કરોડ.
*​વિદ્યાશ્રય યોજના: સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ વિદ્યાશ્રય યોજના હેઠળ કૉલેજ વિદ્યાર્થીઓને હોસ્ટેલ PG સહાય માટે રૂ. ૫૦ કરોડ.
*​ચેર સેન્ટરની સ્થાપના: જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ ચેર સેન્ટર બનાવવામાં આવશે.
*​શિક્ષણ અને પ્રચાર-પ્રસાર: રાજ્યની ૭૦ યુનિવર્સિટીઓમાં ક્વિઝ કોન્ટેસ્ટ, ઇનામ, બેનર્સ, પ્રચાર-પ્રસાર તથા સંત રવિદાસજીના જીવન-કવન અંગે પુસ્તક અને ઓડિયો બુક તૈયાર કરવા ગ્રાન્ટ અપાશે.
*​તાલુકા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો: તમામ તાલુકાઓમાં સામાજિક સમરસતા આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ. ૫.૩૬ કરોડ.
*​સમરસ ભવન અને લાયબ્રેરી: રાજ્યના તાલુકા દીઠ એક સમરસ ભવન તથા લાયબ્રેરીના નિર્માણ માટે રૂ. ૯૩.૮૦ કરોડ.
*​સરસઈ આશ્રમનો વિકાસ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલા આશ્રમના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૦ કરોડ.
*​સંતોની કુટિર અને આશ્રમોનું આધુનિકીકરણ: અનુસૂચિત જાતિના વિવિધ સંતોની કુટિર કે આશ્રમના સ્થળોના આધુનિકીકરણ અને નવીનીકરણ માટે રૂ. ૩૦ કરોડ.

​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના સંકલ્પને સાકાર કરવા અને સમરસ તથા વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો.

(1:19 PM IST)