<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

બિહારમાં પુલ દુર્ઘટનાઓ રોકવા સમ્રાટ સરકાર એક્શન મોડમાં: હવે ૭૨ કલાકમાં ઓનલાઇન અપલોડ કરવો પડશે સેફ્ટી ઓડિટ રિપોર્ટ, બેદરકારી દાખવનાર અધિકારીઓની ખેર નથી!

૬૦ થી ૨૫૦ મીટર લાંબા પુલોનું સીધું મોનિટરિંગ હેડક્વાર્ટર લેવલથી થશે; જો પુલને નુકસાન થશે તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ગણાશે જવાબદાર

પટના : બિહારમાં છેલ્લા કેટલાક સમયથી પુલો ધરાશાયી થવાની ઘટનાઓને ગંભીરતાથી લેતા નીતીશ-સમ્રાટ સરકારે કડક વલણ અપનાવ્યું છે. પથ નિર્માણ વિભાગના સચિવ પંકજ કુમાર પાલની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજ્યના તમામ પુલોના સેફ્ટી ઓડિટનો રિપોર્ટ માત્ર ૭૨ કલાકની અંદર વિભાગના પોર્ટલ પર અપલોડ કરવો ફરજિયાત રહેશે.
તમામ જૂના પુલોની થશે ઝીણવટભરી તપાસ
વિભાગ દ્વારા રાજ્યના તમામ જૂના પુલોનું અનિવાર્યપણે સુરક્ષા ઓડિટ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જે પુલો જર્જરિત હાલતમાં જોવા મળશે, તેમની મરામત માટે તાત્કાલિક ધોરણે કાર્ય યોજના તૈયાર કરી કામ શરૂ કરવા જણાવાયું છે. આ તપાસમાં ખાસ કરીને પુલના બેરિંગ, ગડર, સ્પેન સ્લેબ, પાઈલ અને જોઈન્ટની મજબૂતીની સાથે સાથે એપ્રોચ રોડ અને ડ્રેનેજની સફાઈ જેવા પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવશે.
જવાબદારી નક્કી: બેદરકારી બદલ થશે કઠોર કાર્યવાહી
સચિવ પંકજ કુમાર પાલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પુલોની સુરક્ષા અને ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી સહન કરવામાં આવશે નહીં. જો કોઈ પણ પુલને નુકસાન થશે, તો માત્ર તે વિસ્તારના કાર્યપાલક ઈજનેર (Executive Engineer) જ નહીં, પરંતુ હેડક્વાર્ટર કક્ષાના અધિકારીઓ પણ સમાન રીતે જવાબદાર ગણાશે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ચોમાસા પૂર્વે એન્જિનિયરોને એલર્ટ રહેવા આદેશ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ કાર્યપાલક ઈજનેરો અને NH વિંગને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલા પુલોનું પણ સેફ્ટી ઓડિટ ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને બનતી રોકી શકાય. આ બેઠકમાં બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ લિમિટેડ અને પથ વિકાસ નિગમના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(8:22 PM IST)