તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સેમસંગનો ધડાકો: હવે અડધી કિંમતે મળશે 'નવો' ગેલેક્સી ફોન, જૂના સ્માર્ટફોન પર પણ મળશે કંપનીની ઓફિશિયલ વોરંટી
કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો 'સર્ટિફાઇડ રી-ઓન્ડ' પ્રોગ્રામ: ૧૨ મહિનાની ગેરંટી, ઓરિજિનલ સ્પેરપાર્ટ્સ અને નવા બોક્સ પેકિંગ સાથે પ્રીમિયમ ફોન ખરીદવાની સુવર્ણ તક : સામાન્ય માણસનું ફ્લેગશિપ ફોનનું સપનું થશે સાકાર

બેંગલુરુ: સ્માર્ટફોન દિગ્ગજ કંપની સેમસંગે ભારતીય ગ્રાહકો માટે એક ક્રાંતિકારી 'સર્ટિફાઇડ રી-ઓન્ડ' પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ, હવે ગ્રાહકો સેમસંગના મોંઘા અને પ્રીમિયમ સ્માર્ટફોન અત્યંત સસ્તા દરે ખરીદી શકશે. કંપનીનો દાવો છે કે આ રિફર્બિશ્ડ ફોન માત્ર સેકન્ડ હેન્ડ ફોન નથી, પરંતુ તેને સેમસંગની પોતાની ફેક્ટરીઓમાં કડક ગુણવત્તા પરીક્ષણ, સફાઈ અને સોફ્ટવેર અપડેટ બાદ નવા જેવા જ તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, સામાન્ય રીતે જૂના ફોન પર વોરંટી નથી મળતી, પરંતુ સેમસંગ આ ફોન પર નવા ફોન જેવી જ પૂરેપૂરી એક વર્ષની સત્તાવાર ઉત્પાદક વોરંટી આપી રહી છે.
આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે દરેક ઉપકરણને કંપનીના એન્જિનિયરો દ્વારા વિગતવાર નિરીક્ષણ કર્યા બાદ જ વેચાણ માટે મૂકવામાં આવે છે. જો ફોનના કોઈ ભાગમાં ખામી જણાય, તો તેને સેમસંગના અસલી સ્પેરપાર્ટ્સથી બદલવામાં આવ્યા છે. ગ્રાહકોની પ્રાઈવસીનું ધ્યાન રાખતા, જૂના યુઝરનો તમામ ડેટા સંપૂર્ણપણે ડિલીટ કરી ફોનને ફેક્ટરી રીસેટ કરવામાં આવ્યો છે. આ ફોન તમને કોઈ સાધારણ પેકિંગમાં નહીં, પરંતુ સેમસંગના બ્રાન્ડ ન્યૂ બોક્સમાં મળશે, જેમાં સિમ ઇજેક્ટર ટૂલ, યુએસબી કેબલ અને ક્વિક ગાઈડ જેવી તમામ જરૂરી એસેસરીઝ પણ સામેલ હશે.
હાલમાં આ પ્રોગ્રામ હેઠળ કંપનીએ ગેલેક્સી સીરીઝના ચાર પસંદગીના પ્રીમિયમ મોડેલ્સને જ પોતાની વેબસાઈટ પર લિસ્ટ કર્યા છે. જોકે, સેમસંગે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં આ યાદીમાં બજેટ સેગમેન્ટથી લઈને હાઈ-એન્ડ ફ્લેગશિપ ડિવાઈસનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સુવિધા એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ ઓછી કિંમતે બ્રાન્ડેડ અને ભરોસાપાત્ર સ્માર્ટફોન ખરીદવા માંગે છે. સેમસંગની આ ચાલથી સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન માર્કેટમાં મોટો ઉલટફેર થવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ગ્રાહકોને હવે સસ્તા ભાવે બ્રાન્ડનો વિશ્વાસ અને વોરંટી બંને એકસાથે મળી રહ્યા છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
