News of Saturday, 1st August 2026
દેશમાં ફરી થશે 'સમુદ્ર મંથન': કેન્દ્ર સરકારે ખાનગી અને ઓફશોર એનર્જી સેક્ટર માટે ખોલ્યો ૮૪,૦૮૪ કરોડનો ખજાનો, દરિયાની ઊંડાઈમાંથી શોધાશે તેલ અને ગેસનો અફાટ ભંડાર!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આપી ઐતિહાસિક 'ઓફશોર એક્સપ્લોરેશન પ્લાન'ને મંજૂરી; ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત પર નિર્ભરતા ઘટાડવા ડીપવોટર ડ્રિલિંગ માટે કૂવા દીઠ રૂ. ૬૫૦ કરોડ સુધીની અપાશે સહાય

નવી દિલ્હી : ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૌરાણિક કાળની જેમ દેશમાં ફરી એકવાર આધુનિક'સમુદ્ર મંથન'માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં₹૮૪,૦૮૪ કરોડના વિશાળ બજેટ સાથે 'રાષ્ટ્રીય ઓફશોર સંશોધન યોજના' (National Offshore Exploration Plan)ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રના અતિ ઊંડા જળક્ષેત્રોમાંથી કુદરતી ગેસ અને તેલના નવા ભંડારો શોધીને દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવાનો છે.
ડીપવોટર ડ્રિલિંગ અને દરેક કૂવા માટે ₹૬૫૦ કરોડ સુધીની આર્થિક મદદ
દરિયાઈ સીમાઓમાં ૧,૫૦૦ મીટરથી વધુ ઊંડાઈ ધરાવતા વિસ્તારોમાં તેલ અને ગેસ ખોદવો એ ભારે જોખમી અને કરોડો ડોલરનો ખર્ચાળ પ્રોજેક્ટ હોય છે. ઘણીવાર ૧૦૦ મિલિયનથી ૨૫૦ મિલિયન ડોલરના ખર્ચ પછી પણ સફળતાની કોઈ ગેરંટી હોતી નથી. આ આર્થિક જોખમ ઘટાડવા અને કંપનીઓને પ્રોત્સાહિત કરવા સરકાર આ યોજના હેઠળ ઊંડા અને અતિ-ઊંડા પાણીના વિસ્તારોમાં ડ્રિલિંગ થનારા દરેક કૂવા માટે ₹૬૫૦ કરોડ સુધીની આર્થિક સહાય પૂરી પાડશે. વર્ષ ૨૦૩૧ સુધીના આગામી પાંચ વર્ષમાં ડ્રિલિંગ પ્રવૃત્તિઓ માટે રૂ. ૪૩,૨૦૦ કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧૦,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આયાત નિર્ભરતા ઘટાડી ૬૦૦ મિલિયન ટન ભંડાર શોધવાનું લક્ષ્ય
છેલ્લા એક દાયકામાં ભારતની ક્રૂડ ઓઇલ માટે વિદેશો પરની નિર્ભરતા ૭૭ ટકાથી વધીને ૮૮ ટકા થઈ ગઈ છે, જ્યારે અડધાથી વધુ કુદરતી ગેસ આયાત કરવો પડે છે. સરકારનો અંદાજ છે કે આ મહત્વાકાંક્ષી સમુદ્ર મંથન યોજના દ્વારા દેશમાં ૬૦૦ મિલિયન ટનથી વધુ તેલ અને ગેસના ભંડારો શોધી શકાશે. તેનાથી સ્થાનિક ઉત્પાદનમાં મોટો ઉછાળો આવશે, હજારો નવી રોજગારીઓ સર્જાશે અને દેશના હજારો કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે.
વડાપ્રધાન મોદીના વિઝનથી શરૂ થઈ યોજના
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૫ના સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં દરિયાઈ ઉર્જા સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે આધુનિક "સમુદ્ર મંથન" નું વિઝન રજૂ કર્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ અમલી બનેલી આ યોજનામાં ઓફશોર ડેટા કલેક્શન માટે રૂ. ૨૮,૫૩૪ કરોડ અને સર્વિસ સેક્ટર માટે રૂ. ૨,૦૦૦ કરોડ પણ ફાળવવામાં આવ્યા છે, જે ભારતના ઉર્જા ભવિષ્ય માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
