<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

કેજરીવાલનું 'મગજ' ગણાતા સંદીપ પાઠકે સાથ છોડ્યો: રાઘવ ચઢ્ઢાના જવાથી માત્ર છબી ખરડાઈ, પણ પાઠકના પક્ષપલટાથી AAP નો પાયો જ હચમચી ગયો!

રાઘવ ચઢ્ઢા પક્ષનો 'ચહેરો' હતા, તો સંદીપ પાઠક 'માસ્ટરમાઇન્ડ'; પંજાબમાં જીત અપાવનાર રણનીતિકારના જવાથી આમ આદમી પાર્ટીની આંતરિક સિસ્ટમ વેરવિખેર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના સાત સાંસદોએ એકસાથે કેસરિયા ધારણ કરતા ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાઘવ ચઢ્ઢા કે હરભજન સિંહના જવાથી પાર્ટીને જે નુકસાન થયું છે, તેના કરતા અનેકગણું મોટું નુકસાન સંદીપ પાઠકના જવાથી થયું છે. અરવિંદ કેજરીવાલ માટે આ એક એવો ફટકો છે જે પક્ષની સમગ્ર કાર્યપ્રણાલી અને રણનીતિને પાયામાંથી હચમચાવી શકે છે.

સંદીપ પાઠક કોઈ સામાન્ય નેતા કે માત્ર ટીવી પર દેખાતો ચહેરો નહોતા, પરંતુ તેઓ AAPના "ચાણક્ય" માનવામાં આવતા હતા. ૨૦૨૨ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી, તેની પાછળ સંદીપ પાઠકની લોખંડી રણનીતિ, સચોટ સર્વેક્ષણો અને જમીની સ્તરનું આયોજન હતું. તેઓ પડદા પાછળ રહીને પક્ષ માટે વિજયના માર્ગો તૈયાર કરતા હતા. તેમના વિદાયથી હવે કેજરીવાલ પાસે ચૂંટણી જીતાડનાર કોઈ ભરોસાપાત્ર રણનીતિકાર બચ્યો નથી.

કેજરીવાલના સૌથી વિશ્વાસુ 'સિસ્ટમ મેન':

વર્ષ ૨૦૧૬માં પક્ષ સાથે જોડાયેલા પાઠકે ખૂબ જ ટૂંકા સમયમાં અરવિંદ કેજરીવાલનો અતૂટ વિશ્વાસ જીતી લીધો હતો. તેમને રાષ્ટ્રીય મહાસચિવ જેવું મહત્વનું પદ સોંપાયું હતું અને તેઓ રાજકીય બાબતોની સમિતિના સભ્ય પણ હતા. પંજાબ અને ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન તેમણે જે રીતે સંગઠન ઉભું કર્યું હતું, તેના કારણે તેમને પક્ષના 'મગજ' તરીકે જોવામાં આવતા હતા. રાઘવ ચઢ્ઢાના જવાથી પાર્ટીની ગ્લેમર અને છબીને અસર પડી છે, પણ સંદીપ પાઠકના જવાથી પાર્ટીની આખી 'ઓપરેટિંગ સિસ્ટમ' નબળી પડી ગઈ છે.

અચાનક લીધેલા નિર્ણયથી હાઈકમાન્ડ સ્તબ્ધ:

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી નેતૃત્વને રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલની નારાજગી વિશે અગાઉથી ખ્યાલ હતો, પરંતુ સંદીપ પાઠક પક્ષ છોડશે તેવી કલ્પના પણ કોઈએ કરી નહોતી. અશોક મિત્તલના નિવાસસ્થાને EDના દરોડા પડ્યા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં પાઠકનું ભાજપમાં જોડાવું એ AAP માટે સૌથી મોટું આશ્ચર્ય અને આઘાતજનક સમાચાર છે. હરભજન સિંહ કે અન્ય સાંસદો પક્ષમાં બહુ સક્રિય નહોતા, પરંતુ પાઠક તો પક્ષના કરોડરજ્જુ સમાન હતા.

ચહેરો વિરુદ્ધ વ્યૂહરચના:

સરળ શબ્દોમાં કહીએ તો, રાઘવ ચઢ્ઢા એવા નેતા હતા જેમને લોકો પડદા પર જોતા હતા, પરંતુ સંદીપ પાઠક એ વ્યક્તિ હતા જે નક્કી કરતા હતા કે પડદા પર શું બતાવવું અને કઈ રીતે સત્તા સુધી પહોંચવું. હવે જ્યારે પંજાબમાં AAP ની સરકાર છે અને આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણીઓ છે, ત્યારે આવા કદાવર રણનીતિકારનું જવું એ કેજરીવાલ માટે 'પાયાનું નુકસાન' સાબિત થશે. AAP માટે હવે આંતરિક રીતે સંગઠનને ફરી બેઠું કરવું એ સૌથી મોટો પડકાર બની રહેશે.

 

(9:16 PM IST)