<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

AAP માંથી છેડો ફાડી ભાજપમાં ભળતા જ સંદીપ પાઠકની મુશ્કેલી વધી: પંજાબ પોલીસની એન્ટ્રીથી દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા!

બિન-જામીનપાત્ર ગુના હેઠળ 2 FIR: ધરપકડ કરવા આવેલી પોલીસને જોઈ સાંસદ પાછળના દરવાજેથી પલાયન થતા હોવાનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) માંથી તાજેતરમાં જ છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. પંજાબ પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ બે ગંભીર અને બિન-જામીનપાત્ર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. શનિવારે જ્યારે પંજાબ પોલીસની એક વિશેષ ટીમ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ધરપકડ કરવા પહોંચી, ત્યારે ત્યાં નાટકીય દ્રશ્યો સર્જાયા હતા. 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો મુજબ, પોલીસની ટીમને ઘરના મુખ્ય દરવાજે જોઈને સંદીપ પાઠક કથિત રીતે પોતાના સરકારી બંગલાના પાછળના દરવાજેથી ગુપ્ત રીતે નીકળી ગયા હતા. આ ઘટનાને લઈને વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસની આ કાર્યવાહીને પગલે હવે સંદીપ પાઠકની ધરપકડની તલવાર લટકી રહી છે. 
"મને આવી કોઈ એફઆઈઆર વિશે માહિતી નથી કે કોઈ પોલીસ અધિકારીએ મારો સંપર્ક કર્યો નથી. મેં હંમેશા ઈમાનદારીથી દેશની સેવા કરી છે. જો મારા જેવા વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે છે, તો તે બતાવે છે કે સત્તાધીશો કેટલા ડરેલા છે." - સંદીપ પાઠક 
 
રાજકીય ઉથલપાથલ
ઉલ્લેખનીય છે કે, ગત ૨૪ એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું હતું, જેમાં ૧૦ માંથી ૭ રાજ્યસભા સાંસદોએ એકસાથે પક્ષ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા દિગ્ગજો સાથે સંદીપ પાઠકે પણ કેજરીવાલના નેતૃત્વ સામે બગાવત કરી હતી. આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલની પાર્ટી પોતાના આદર્શો અને મૂલ્યોથી ભટકી ગઈ છે. 
રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા આ સાંસદોને સત્તાવાર રીતે ભાજપના સભ્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પક્ષપલટાને કારણે ઉપલા ગૃહમાં 'આપ' નું સંખ્યાબળ ઘટીને હવે માત્ર ૩ રહી ગયું છે. હાલમાં તો સંદીપ પાઠક ક્યાં છે અને પોલીસ તેમને ક્યારે પકડશે તે અંગે અટકળો તેજ બની છે.

(7:20 PM IST)