<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સંજય દત્તની મુશ્કેલીમાં વધારો: 'સરકે ચુનર તેરી' ગીતમાં અશ્લીલતા મામલે દિલ્હીમાં મહિલા પંચ સમક્ષ હાજર થયા, મીડિયા સામે મૌન સેવ્યું

ગીતમાં મહિલાઓના અપમાનજનક ચિત્રણ બદલ NCW કડક; નોરા ફતેહીને પણ હાજર થવા અપાયું અંતિમ અલ્ટીમેટમ, વિવાદ વધતા યુટ્યુબ પરથી ગીત હટાવી દેવાયું

નવી દિલ્હી : બોલિવૂડના 'ખલનાયક' ગણાતા સંજય દત્ત અત્યારે એક નવા કાનૂની વિવાદમાં ફસાયા છે. તેમની આગામી ફિલ્મ "કેડી: ધ ડેવિલ" (KD: The Devil) ના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત "સરકે ચુનર તેરી" માં કથિત અશ્લીલતા અને મહિલાઓના વાંધાજનક ચિત્રણ મામલે સંજય દત્ત આજે સોમવારે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચ (NCW) સમક્ષ હાજર થયા હતા. આ ગીતમાં તેમની સાથે અભિનેત્રી નોરા ફતેહી પણ જોવા મળી રહી છે.
મીડિયાના સવાલોથી બચતા જોવા મળ્યા સંજય દત્ત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, સંજય દત્ત દિલ્હીમાં મહિલા પંચની ઓફિસે પહોંચ્યા હતા. પૂછપરછ બાદ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા, પરંતુ સંજય દત્તે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેઓ ઉતાવળમાં પોતાની કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. પંચે આ ગીતની સામગ્રીને મહિલાઓના ગૌરવ વિરુદ્ધ ગણાવીને તેમને સમન્સ પાઠવ્યું હતું.
નોરા ફતેહીને અંતિમ ચેતવણી
રાષ્ટ્રીય મહિલા પંચે માત્ર સંજય દત્ત જ નહીં, પણ આ ગીતમાં ડાન્સ કરનાર નોરા ફતેહી સામે પણ લાલ આંખ કરી છે. અગાઉ ૬ એપ્રિલની સુનાવણીમાં નોરા હાજર રહી નહોતી અને વકીલ મોકલ્યા હતા, જેને પંચે ગંભીરતાથી લીધું છે. પંચે નોરાને વ્યક્તિગત રીતે હાજર થવા માટે અંતિમ તક આપી છે. પંચનું માનવું છે કે ગીતના શબ્દો અને દ્રશ્યો સ્વીકાર્ય મર્યાદાઓ ઓળંગી ગયા છે.
સર્જનાત્મકતા કે અશ્લીલતા? સોશિયલ મીડિયામાં બે ભાગ
આ ગીતના શબ્દો અને લૈંગિક ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. અનેક મહિલા જૂથોએ આ ગીતને અશ્લીલ ગણાવ્યું હતું, જ્યારે ફિલ્મના સમર્થકો તેને 'સર્જનાત્મક અભિવ્યક્તિ' કહી રહ્યા હતા. જોકે, વધતા વિવાદ અને મહિલા પંચના હસ્તક્ષેપ બાદ આ ગીતને યુટ્યુબ પરથી સત્તાવાર રીતે હટાવી દેવામાં આવ્યું છે.
મહિલા પંચનું કડક વલણ
રાષ્ટ્રીય મહિલા પંચે સ્પષ્ટ કર્યું છે કે કલાના નામે મહિલાઓના સન્માન સાથે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. ગીત સાથે જોડાયેલા લોકોએ એવો બચાવ કર્યો હતો કે તેઓ ગીતના અર્થ અને અસરોથી અજાણ હતા, જેને પંચે ફગાવી દીધો છે. પંચનું કહેવું છે કે આવા ખુલાસાઓ સામગ્રીની નકારાત્મક અસરને માફ કરી શકતા નથી. હવે જોવાનું એ રહેશે કે આ પૂછપરછ બાદ સંજય દત્ત અને ફિલ્મના મેકર્સ વિરુદ્ધ પંચ શું પગલાં લે છે.

(8:06 PM IST)