<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

રામ મંદિર વિવાદમાં સંજય સિંહનો પલટવાર: "સીએમ યોગી પુરાવા માંગે છે તો સાંભળે, હું SITને સોંપીશ જમીન કૌભાંડના પાકા દસ્તાવેજો!"

લખનૌમાં આપ (AAP) સાંસદની સનસનાટીભર્યા પ્રેસ કોન્ફરન્સ; ₹9 કરોડની જમીન ₹55 કરોડમાં ખરીદાયાનો દાવો, તપાસ પહેલાં જ ચંપત રાયને ક્લીનચીટ આપવા સામે ઉઠાવ્યા સવાલ

લખનૌ : અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને પ્રસાદની ઉચાપતના વિવાદ વચ્ચે હવે જમીન ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમાયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં વિપક્ષને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાને બદલે સીધા વિશેષ તપાસ સમિતિ (SIT) ને પુરાવા સોંપવા પડકાર ફેંક્યો હતો. આ પડકારને ઝીલી લેતા આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ સાંસદ સંજય સિંહે વળતો પ્રહાર કર્યો છે. લખનૌમાં એક તાબડતોબ પત્રકાર પરિષદ યોજીને સંજય સિંહે એવો મોટો દાવો કર્યો છે કે તેમની પાસે રામ મંદિર માટે થયેલી જમીન ખરીદીમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પાકા દસ્તાવેજો છે, જે તેઓ ટૂંક સમયમાં જ SIT ને સુપરત કરશે.
ED ના પ્રોટેક્શન હેઠળ ચાલી રહી છે લૂંટ: સંજય સિંહ
મીડિયા સમક્ષ સનસનાટીભર્યા દસ્તાવેજો લહેરાવતા આપ સાંસદે ગંભીર આરોપ લગાવ્યો કે, "એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની છત્રછાયા અને રક્ષણ હેઠળ પ્રભુ શ્રી રામના મંદિરમાં ચોરી અને પવિત્ર દાનની લૂંટનો મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. રોજ નવા ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. સીએમ યોગી કહે છે કે આપણે હવામાં વાતો ન કરવી જોઈએ, તો હું તેમને ખાતરી આપું છું કે મારી પાસે અયોધ્યા જમીન કૌભાંડના સૌથી વ્યાપક અને પાકા દસ્તાવેજો ઉપલબ્ધ છે. હિન્દુઓ જેમના પર આંધળો વિશ્વાસ રાખે છે તે ભાજપ અને આરએસએસ (RSS) ના સભ્યો જ આ ટ્રસ્ટ સાથે મળીને આવી મોટી ચોરી કરી રહ્યા છે, જે માનવું પણ મુશ્કેલ છે."
₹9 કરોડની જમીન ₹55.46 કરોડમાં ખરીદાયાનો પર્દાફાશ
ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા સંજય સિંહે જણાવ્યું કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આલોક, શિવાની અને મનીષ બંસલ નામના વ્યક્તિઓ પાસેથી મૂળ ₹9 કરોડની કિંમત ધરાવતી જમીન અધધ ₹55.46 કરોડની કિંમતે ખરીદી હતી. આ ઉપરાંત, માંઝા બરેટા વિસ્તારમાં પણ 117 વીઘા જમીનની ખરીદીમાં મોટી ગેરરીતિ થઈ છે. સરકારે સામાન્ય ખેડૂતોને ૩.૫ હજાર વીઘા જમીન માટે માંડ ₹4.40 લાખ ચૂકવ્યા છે, જ્યારે ચંપત રાયે સરકારી સંપાદન વાળી જમીનથી ઘણા કિલોમીટર દૂર ₹47 લાખ પ્રતિ વીઘાના ઉંચા ભાવે જમીનની ખરીદી કરીને મોટું કૌભાંડ આચર્યું છે. તેમણે આ અંગે ઉચ્ચ અધિકારીઓને ઇમેઇલ કરીને કાર્યવાહીની માંગ પણ કરી છે.
તપાસ શરૂ થઈ નથી ને ક્લીનચીટ આપી દેવાઈ!
યોગી સરકારની તપાસ પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સંજય સિંહે આક્રોશ વ્યક્ત કર્યો કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર FIR પણ નોંધવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે હજુ SIT ની તપાસ બરાબર શરૂ પણ થઈ નથી, ત્યાં નૃપેન્દ્ર મિશ્રાએ ચંપત રાયને ક્લીનચીટ આપી દીધી છે! આનાથી વધુ હાસ્યાસ્પદ અને વાંધાજનક બીજું શું હોઈ શકે? આથી, આ સમગ્ર કૌભાંડની તપાસ ઉત્તર પ્રદેશ સરકારની એજન્સીઓ પર છોડવાને બદલે સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ (મોનિટરિંગ) હેઠળ કરાવવી જોઈએ અને ભ્રષ્ટ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

(6:23 PM IST)