<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

યુગાન્ડામાં ભારતીય મૂળના રઘુવંશી અગ્રણી ઉદ્યોગપતિ સંજય તન્નાનો ડંકો: નવા વેપાર, ઉદ્યોગ અને સહકાર મંત્રી તરીકે નિમણૂક

યુગાન્ડા: યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કે. મુસેવેની દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૩૧ માટેના નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી ધ્યાન ખેંચનારું નામ જાણીતા રઘુવંશી ઉદ્યોગપતિ અને સાંસદ સંજય તન્નાનું છે. રાષ્ટ્રપતિએ સંજય તન્નાની યુગાન્ડાના નવા વેપાર, ઉદ્યોગ અને સહકાર વિભાગના મુખ્ય કેબિનેટ પ્રધાન તરીકે પસંદગી કરી છે. યુગાન્ડાના રાજકીય અને ઔદ્યોગિક વર્ગમાં આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

૧૯૯૫ના યુગાન્ડા પ્રજાસત્તાકના બંધારણની કલમ ૧૦૮ અને ૧૧૧ સહિતની અન્ય કલમો હેઠળ રાષ્ટ્રપતિને મળેલી સત્તાઓના આધારે આ મંત્રીમંડળ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. સંજય તન્નાની નિમણૂક ઉપરાંત દેશના અન્ય સર્વોચ્ચ હોદ્દાઓ પર પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

મંત્રીમંડળના અન્ય મુખ્ય હોદ્દેદારો અને પ્રધાનો નીચે મુજબ છે:

 

• ઉપરાષ્ટ્રપતિ: જેસિકા અલુપો (પોતાના પદ પર યથાવત)

• પ્રધાનમંત્રી અને સરકારી કામકાજના નેતા: રોબીના નબ્બાન્જા (યથાવત)

• પ્રથમ નાયબ પ્રધાનમંત્રી: રેબેકા કડાગા

• બીજા નાયબ પ્રધાનમંત્રી: ક્રિસ્પસ કિયોંગા

• ત્રીજા નાયબ પ્રધાનમંત્રી: લુકિયા નકડામા

• વિદેશ બાબતોના મંત્રી: રાજદૂત અડોનિયા અયેબારે (જનરલ જેજે ઓડોંગોની જગ્યાએ નવા વિદેશ મંત્રી)

• નાણાં, આયોજન અને આર્થિક વિકાસ મંત્રી: હેનરી મુસાસિઝી (માટિયા કસાઈજા નાણાં મંત્રી પદેથી દૂર)

• શિક્ષણ અને રમતગમત મંત્રી: જેનેટ કટાહા મુસેવેની (યથાવત)

અત્રે ખાસ નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મુસેવેની દ્વારા પ્રસ્તાવિત આ તમામ નવી નિમણૂકો હવે સંસદીય ચકાસણી અને મંજૂરીને આધીન રહેશે. 

 

ભારતીય મૂળના રઘુવંશી આગેવાન ઉદ્યોગપતિ શ્રી સંજય તન્નાને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવતા સ્થાનિક વેપારી અને ઔદ્યોગિક જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

(12:45 AM IST)