<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

માસૂમો માટે સંજીવની: હવે ડાયાબિટીસ સામેની લડાઈમાં ગરીબી નહીં બને અવરોધ!

કેન્દ્ર સરકારનો ક્રાંતિકારી નિર્ણય: દેશભરના ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે મોંઘા ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને સ્ટ્રીપ્સ હવે સરકારી હોસ્પિટલોમાં મફત મળશે : '4T' ફોર્મ્યુલાથી સ્કૂલ સ્તરે જ થશે રોગની ઓળખ

નવી દિલ્હી :  ભારતના આરોગ્ય મંત્રાલયે હજારો પરિવારોના આંસુ લૂછતા એક ઐતિહાસિક નીતિ જાહેર કરી છે. ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો, જેમના માટે ઇન્સ્યુલિન હવા જેટલું જ અનિવાર્ય છે, તેમને હવે આર્થિક તંગીને કારણે સારવાર વગર રહેવું નહીં પડે. નવી રાષ્ટ્રીય નીતિ હેઠળ, સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તપાસથી લઈને આજીવન સારવાર અને મોંઘા મેડિકલ સાધનો તદ્દન મફત આપવામાં આવશે. આ પગલું માત્ર તબીબી સેવા નથી, પણ ખર્ચાળ સારવારના બોજ નીચે દબાયેલા મધ્યમ અને ગરીબ પરિવારો માટે એક મોટું આશાનું કિરણ છે.

રોગની વહેલી ઓળખ માટે સરકારે '4T' (Toilet, Thirsty, Tired, Thin) મંત્ર રજૂ કર્યો છે. જો કોઈ બાળક વારંવાર પેશાબ જાય, વધુ તરસ અનુભવે, સતત થાકેલું રહે અથવા તેનું વજન અચાનક ઘટી જાય, તો આ ચિહ્નોના આધારે શાળાઓમાં જ તેનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવશે. જન્મથી ૧૮ વર્ષની વય સુધીના તમામ બાળકોને આ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકારી યોજનાનો હેતુ એ છે કે રોગને પ્રારંભિક તબક્કે જ પકડી પાડીને માસૂમોના આયુષ્યમાં વધારો કરી શકાય અને તેમને સામાન્ય જીવન જીવવા માટે સશક્ત બનાવી શકાય.

આ પહેલ અંતર્ગત માત્ર દવાઓ જ નહીં, પણ 'કેર સાયકલ' એટલે કે સંભાળનું એક અખંડ ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામીણ હેલ્થ સેન્ટરથી લઈને જિલ્લા હોસ્પિટલો સુધી એક સંકલિત નેટવર્ક હશે. માતા-પિતાને ઇન્સ્યુલિન આપવા અને ઈમરજન્સી હેન્ડલ કરવાની ખાસ તાલીમ પણ અપાશે. ભારત હવે વિશ્વના એવા અગ્રણી દેશોમાં સામેલ થયું છે જે બાળરોગ સંભાળને જાહેર આરોગ્ય પ્રણાલીનો અભિન્ન ભાગ ગણે છે. આ યોજના લાખો બાળકોના સ્વાસ્થ્ય અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે.

(7:26 PM IST)