<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓનો પ્રચંડ મિસાઇલ હુમલો: કિંગ ખાલિદ એરપોર્ટ બંધ : એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી!

રિયાધ અને અભા એરપોર્ટ પર ભયાનક ધમાકામાં ૧ નું મોત અને ૮ ઘાયલ : એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ૧૦ ઓક્ટોબર સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી : ભારતે નાગરિકો પરના હુમલાની સખત શબ્દોમાં કરી નિંદા

નવી દિલ્હી:  મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક સંવેદનશીલ સ્થળો પર હુથી વિદ્રોહીઓએ ઘાતક હુમલા કર્યા છે. આ ભયાનક વિસ્ફોટોને કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને સુરક્ષા કારણોસર એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બની ત્યારે દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2243 અરબી સમુદ્ર પરથી પસાર થઈ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટોએ વિમાનને અધવચ્ચેથી પાછું વાળીને દિલ્હી તરફ મોકલી દીધું હતું.

બીબીસીના રિપોર્ટ અનુસાર, કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુથી વિદ્રોહીઓએ આ ભયાનક હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી છે. આ ગંભીર સુરક્ષા સંકટને પગલે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ૧૦ ઓક્ટોબર સુધી રિયાધ જતી તેમની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે રદ થયેલી ફ્લાઇટ્સના તમામ મુસાફરોને પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે.

સાઉદી અરેબિયાના રિયાધ અને અભા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાગરિક માળખાને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાઓની ભારતના વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે નિર્દોષ નાગરિકો અને એરપોર્ટ જેવા જાહેર માળખા પર હુમલા સાંખી લેવાય નહીં. ભારતે આ મુશ્કેલ સમયમાં સાઉદી અરેબિયાના લોકો અને સરકાર સાથે મજબૂત એકતા દર્શાવી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

(8:15 PM IST)