<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

હજ પહેલા સાઉદી અરેબિયાનું કડક વલણ: વિઝા પૂરા થયા પછી રોકાયા તો 50,000 રિયાલનો દંડ અને જેલની હવા ખાવી પડશે

વિઝિટ વિઝા પર હજ કરવાની મનાઈ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ડિપોર્ટ કરી દેવાશે અને એન્ટ્રી પર લાગશે આજીવન પ્રતિબંધ

રિયાધ, તા. 29: પવિત્ર હજ યાત્રાની સીઝન નજીક આવી રહી છે ત્યારે સાઉદી અરેબિયા સરકારે વિદેશી પ્રવાસીઓ માટે અત્યંત કડક ચેતવણી જારી કરી છે. સાઉદી મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મુલાકાતી તેના વિઝાની સમયમર્યાદા પૂરી થયા પછી પણ દેશમાં રોકાશે (Overstay), તો તેને આકરા કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. આ નવા આદેશ મુજબ, નિયમ તોડનારાઓને 50,000 સાઉદી રિયાલ (આશરે ₹11 લાખથી વધુ) સુધીનો દંડ, છ મહિનાની જેલની સજા અને ત્યારબાદ દેશનિકાલ (Deportation) કરવામાં આવશે.
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હજ સીઝન દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારના 'વિઝિટ વિઝા' ધારકોને હજ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હજ માત્ર તેના માટેના સત્તાવાર પરમિટ અને વિશિષ્ટ વિઝા પર જ કરી શકાશે. જે લોકો વિઝિટ વિઝા પર આવીને છુપાઈને હજ કરવાનો પ્રયાસ કરશે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે સ્થાનિક નાગરિકો અને રહેવાસીઓને પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રહેતી હોય અથવા વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય, તો તેની જાણ તુરંત સત્તાવાળાઓને કરવી. મક્કા, મદીના અને રિયાધ જેવા વિસ્તારોમાં રહેતા લોકો '911' નંબર પર અને અન્ય પ્રાંતના લોકો '999' પર કોલ કરીને રિપોર્ટ કરી શકે છે. સાઉદી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી હજ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને હાજીઓની સુરક્ષા માટે ટેકનોલોજી અને કાયદાનો કડક અમલ કરી રહી છે.
ભારતથી હજ પર જનારા હજારો યાત્રાળુઓ માટે પણ આ સમાચાર મહત્વના છે. ટ્રાવેલ એજન્ટો અને નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે પ્રવાસીઓએ પોતાના વિઝાની તારીખ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને સત્તાવાર પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. સાઉદી અરેબિયામાં એકવાર ડિપોર્ટ થયા પછી ફરીથી એન્ટ્રી મેળવવી લગભગ અશક્ય બની જતી હોય છે, તેથી આ વખતે કાયદાનું પાલન કરવું એ જ હિતાવહ છે.

(7:53 PM IST)