<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

પાકિસ્તાનનો 'માસ્ટર પ્લાન' સાઉદીએ રોક્યો: સુદાન સાથેનો ₹42,000 કરોડનો હથિયાર સોદો રદ!

રિયાધના દબાણ સામે ઇસ્લામાબાદ નતમસ્ત: સુદાનના આંતરવિગ્રહમાં હથિયારો સપ્લાય કરવાનો પાકિસ્તાની સેનાનો મનસૂબો ફ્લોપ

રિયાધ: આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. સાઉદી અરેબિયાના કડક વલણ સામે ઝૂકીને પાકિસ્તાને સુદાન સાથેનો $1.5 બિલિયન (અંદાજે 42,000 કરોડ પાકિસ્તાની રૂપિયા)નો સંરક્ષણ સોદો રદ કરવાની ફરજ પડી છે. આ સોદા હેઠળ પાકિસ્તાન સુદાનની સેનાને લશ્કરી જેટ અને અત્યાધુનિક હથિયારો સપ્લાય કરવાનું હતું, જેનું ફંડિંગ સાઉદી અરેબિયા દ્વારા પૂરું પાડવામાં આવનાર હતું. જોકે, સુદાનમાં ચાલી રહેલા ભયાનક ગૃહયુદ્ધ અને આંતરરાષ્ટ્રીય દબાણને જોતા સાઉદીએ આ સોદામાંથી પોતાના હાથ ખેંચી લીધા છે, જેના કારણે પાકિસ્તાનના હથિયાર નિકાસકાર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે.

સુદાન હાલમાં વિશ્વની સૌથી ગંભીર માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે, જ્યાં સત્તાવાર સેના અને અર્ધલશ્કરી દળો (RSF) વચ્ચે લોહિયાળ જંગ ચાલુ છે. શરૂઆતમાં સાઉદી અરેબિયા આ સોદામાં મધ્યસ્થી કરી રહ્યું હતું, પરંતુ પશ્ચિમી દેશો અને યુરોપિયન યુનિયનની સલાહ બાદ રિયાધે પોતાની વ્યૂહરચના બદલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોએ સાઉદીને આફ્રિકાના 'પ્રોક્સી વોર'થી દૂર રહેવા ચેતવણી આપી હતી. માર્ચમાં રિયાધમાં મળેલી એક ગુપ્ત બેઠકમાં સાઉદી અધિકારીઓએ સુદાનના સૈન્ય નેતાઓને સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ હવે આ ખરીદી માટે કોઈ ભંડોળ આપશે નહીં, જેના કારણે પાકિસ્તાન પાસે સોદો રદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.

આ ઘટનાક્રમ માત્ર સુદાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ લિબિયા સાથેના પાકિસ્તાનના અન્ય $4 બિલિયનના સોદા પર પણ જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. પાકિસ્તાન તેની કંગાળ અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સંરક્ષણ સોદાઓ પર આશા રાખી રહ્યું હતું, પરંતુ સાઉદી અરેબિયા જે રીતે તેના 'વ્યૂહાત્મક પુનર્મૂલ્યાંકન' કરી રહ્યું છે તે જોતા ઇસ્લામાબાદની મુશ્કેલીઓ વધી શકે છે. સાઉદી અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષે થયેલા સંરક્ષણ કરાર મુજબ બંને દેશો એકબીજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે, પરંતુ સુદાન જેવા વિવાદિત વિસ્તારોમાં સાઉદી હવે પાકિસ્તાની હથિયારોના માધ્યમથી કોઈ જોખમ લેવા તૈયાર નથી. આનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનની વિદેશ નીતિ હજુ પણ સાઉદીના ઈશારે જ ચાલે છે.

(8:06 PM IST)