<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

₹૬,૦૦૦ કરોડના મહાદેવ સટ્ટાબાજી કૌભાંડના મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં ધરપકડ: ભારત સરકાર હવે પ્રત્યાર્પણની તૈયારીમાં

નકલી પાસપોર્ટ પર ઓમાનમાં પ્રવેશ કરતા પોલીસના હાથે ઝડપાયો ભાગેડુ સૌરભ; CBI અને ED ની સંયુક્ત ટીમ મસ્કત જવા માટે સજ્જ

નવી દિલ્હી : દેશભરમાં ચકચાર મચાવનારા ₹૬,૦૦૦ કરોડના 'મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી' સિન્ડિકેટના મુખ્ય સ્થાપક સૌરભ ચંદ્રાકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. લાંબા સમયથી ભારતથી ફરાર સૌરભ ચંદ્રાકરની આખરે ઓમાનના મસ્કત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૩૦ વર્ષીય ચંદ્રાકર નકલી ઇન્ડોનેશિયન પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે રોયલ ઓમાન પોલીસે તેને ઝડપી લીધો હતો. હાલ તે મસ્કતની અલ ખૌદ જેલમાં બંધ છે.

આ મામલે ભારત સરકાર હવે એક્શન મોડમાં છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિદેશ મંત્રાલય મારફતે ઓમાનના અધિકારીઓને પ્રત્યાર્પણ માટેની ઔપચારિક વિનંતી મોકલી આપવામાં આવી છે. ઓમાનની કોર્ટમાં આ અરજી મંજૂર થયા બાદ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની એક સંયુક્ત ટીમ મસ્કત રવાના થશે. અગાઉ ૨૦૨૪માં દુબઈમાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી. જોકે, આ વખતે ઈન્ટરપોલે સ્પષ્ટ કર્યું છે કે આ કેસ નાણાકીય ગુના સાથે જોડાયેલો છે અને રાજકીય પ્રેરિત નથી, જેથી તેની ધરપકડ કાયદેસર છે.

હજારો કરોડનું સામ્રાજ્ય અને રાજકીય કનેક્શન

મહાદેવ ઓનલાઈન બેટિંગ સિન્ડિકેટ માત્ર એક સટ્ટાબાજીની એપ્લિકેશન નહોતી, પરંતુ તે એક મોટું નેટવર્ક હતું જે ટાઇગર એક્સચેન્જ, ગોલ્ડ૩૬૫ અને લેસર૨૪૭ જેવા પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં કાર્યરત હતું. ED ની તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા રોજના સેંકડો કરોડ રૂપિયાની કમાણી થતી હતી. આટલું જ નહીં, આ કૌભાંડમાં છત્તીસગઢના અનેક વરિષ્ઠ રાજકારણીઓ અને અમલદારોની સંડોવણી હોવાના પણ ગંભીર આરોપો છે.

ED અત્યાર સુધીમાં સૌરભ ચંદ્રાકરની દુબઈમાં આવેલા બુર્જ ખલીફાના ફ્લેટ્સ સહિત આશરે ₹૧,૭૦૦ કરોડની મિલકતો જપ્ત કરી ચૂકી છે. આ કૌભાંડના અન્ય એક સહ-સ્થાપક રવિ ઉપ્પલ પણ ભારત છોડીને વનુઆતુ નામના દેશમાં છુપાયા હોવાની માહિતી મળી રહી છે. આ ધરપકડ બાદ હવે મહાદેવ બેટિંગ એપ સાથે જોડાયેલા અનેક મોટા નામોના ખુલાસા થવાની શક્યતા છે. ભારતીય તપાસ એજન્સીઓ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સૌરભ ચંદ્રાકરને ભારત લાવવા માટે તમામ કાયદાકીય કવાયત તેજ કરી રહી છે.

 

(8:48 PM IST)