News of Monday, 20th July 2026
ટ્રાફિક જામને કહો બાય-બાય: ભારતની પહેલી ફ્લાઇંગ ટેક્સી રજૂ : પાયલોટ વિના ભરશે પ્રથમ ઉડાન!
આઈઆઈટી મદ્રાસના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી 'e200X' શહેરી મુસાફરીનો નકશો બદલી નાખશે : શરૂઆતમાં એર એમ્બ્યુલન્સ તરીકે સેવા આપ્યા બાદ સામાન્ય મુસાફરો માટે લોન્ચ થશે

ચેન્નાઈ : ભારતના મેગા શહેરોમાં કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહેતા લોકો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસના સ્ટાર્ટઅપ 'ePlane કંપની'એ ભારતની સૌપ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી e200X - PT01 નો ફુલ-સ્કેલ પ્રોટોટાઇપ રજૂ કરીને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. ૨.૨ ટન વજન ધરાવતી આ ફ્લાઇંગ ટેક્સી હેલિકોપ્ટરની જેમ ઊભી ઉડાન ભરી શકે છે અને વિમાનની ઝડપે ઉડી શકે છે. માત્ર ૮x૧૧ મીટરની જગ્યામાં સરળતાથી લેન્ડ થઈ શકતી હોવાથી આ ટેક્સી માટે નવા એરપોર્ટની જરૂર નહીં પડે, પરંતુ હોસ્પિટલની છત કે નાના હેલિપેડ પરથી પણ તેનું સંચાલન થઈ શકશે.
આ ઇલેક્ટ્રિક એર ટેક્સી એક સિંગલ ચાર્જ પર આશરે ૧૧૦ કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડી શકે છે. એટલે કે મુંબઈથી પુણે કે ચેન્નાઈથી પુડુચેરી જેવું કલાકોનું અંતર હવે માત્ર મિનિટોમાં કપાઈ જશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ તેને અત્યંત મજબૂત બનાવવામાં આવી છે, જેમાં છ લિફ્ટ રોટર્સ અને ચાર ફોરવર્ડ પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે. જો ઉડાન દરમિયાન એકાદ મોટર કે પ્રોપેલર ખોરવાઈ જાય, તો પણ બાકીના મોટર્સ એર ટેક્સીને સુરક્ષિત રીતે ઉતારવામાં સક્ષમ છે. કંપનીના સ્થાપક પ્રોફેસર સત્ય ચક્રવર્તીના જણાવ્યા મુજબ, આ ડ્રોન-ટેક્સીનો પ્રથમ ઉપયોગ ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ તરીકે દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે કરવામાં આવશે.
સુરક્ષાના કડક નિયમોને ધ્યાનમાં રાખીને તેની પ્રારંભિક ટેસ્ટ ફ્લાઇટ્સ સંપૂર્ણપણે પાયલોટ વિના (અનમેન્ડ) કરવામાં આવશે. અદ્યતન 'ફ્લાય-બાય-વાયર' ટેકનોલોજીના કારણે આ માનવરહિત પરીક્ષણો સંપૂર્ણપણે સુગમ અને સુરક્ષિત રહેશે. તમામ નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ આગામી ૩ થી ૫ વર્ષમાં તેને વ્યાપારી ધોરણે લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિગોના પૂર્વ પ્રમુખ આદિત્ય ઘોષ પણ આ પ્રોજેક્ટના બોર્ડ સભ્ય છે. કંપનીને અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એર ટેક્સીઓ માટે પૂર્વ-ઓર્ડર મળી ચૂક્યા છે અને રોકાણકારો તરફથી $૨૧.૫ મિલિયનનું ભંડોળ પણ પ્રાપ્ત થયું છે, જે ભારતમાં ભવિષ્યની એર-ટ્રાન્સપોર્ટ ક્રાંતિનો સ્પષ્ટ સંકેત છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
