<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ISI ને સેનાની ગુપ્ત માહિતી મોકલવાનું કૌભાંડ: પંજાબ પોલીસે બંગાળથી ભારતીય સેનાના જવાનની કરી ધરપકડ

૧૫મી જાટ રેજિમેન્ટના સૈનિક રાજબીર સિંહની બંગાળના હાસીમારાથી ધડપકડ : ISI સાથે જોડાયેલી મહિલા એજન્ટ ગુરનૌર સિદ્ધુને દેશ વિરોધી લશ્કરી માહિતી પૂરી પાડવાનો ગંભીર આરોપ

સિલિગુડી :  ભારતીય સેનાની અતિ સંવેદનશીલ અને ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને પહોંચાડવાના એક અત્યંત ચોંકાવનારા કૌભાંડમાં પંજાબ પોલીસ અને સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ ને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના હાસીમારા લશ્કરી છાવણી વિસ્તારમાંથી ભારતીય સેનાના જવાન રાજબીર સિંહની ધરપકડ કરી છે. આસામનો વતની રાજબીર સિંહ હાસીમારામાં ૧૫મી જાટ રેજિમેન્ટમાં ફરજ બજાવતો હતો અને તેના પર પાકિસ્તાની એજન્ટોને દેશની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક કરવાનો ગંભીર આક્ષેપ છે.

આ આખા સ્પાય કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પંજાબની ફાઝિલ્કા પોલીસે ૮ ઓક્ટોબરના રોજ ગુરનૌર સિદ્ધુ નામની એક મહિલાની અટકાયત કરી હતી. કડક પૂછપરછ અને તેની પાસેથી મળી આવેલા ટેબ્લેટ તેમજ બે મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું કે તે મહિલા સીધી ISI ના સંપર્કમાં હતી. આ તપાસ દરમિયાન સેનામાં જ ફરજ બજાવતા દિલપ્રીત સિંહ અને રાજબીર સિંહના નામો ખૂલ્યા હતા, જેઓ મહિલાને સેનાના ગુપ્ત નકશા, લોકેશન અને મહત્વપૂર્ણ દસ્તાવેજો શેર કરીને દેશદ્રોહના આ નેટવર્કમાં મદદ કરી રહ્યા હતા.

ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે પંજાબ પોલીસની વિશેષ ટુકડીએ હાસીમારા પહોંચીને રાજબીર સિંહને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ તેને હવાઈ માર્ગે પંજાબ લઈ જતી વખતે ટેકનિકલ કારણોસર સિલિગુડી એસીજેએમ  કોર્ટમાં રજૂ કરવો પડ્યો હતો, જ્યાં સરકારી વકીલ સૌમિત્ર સિંહ સરકારની રજૂઆતો બાદ અદાલતે પંજાબ પોલીસને આરોપી જવાનના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પંજાબ પોલીસ તેને હવાઈ માર્ગે પંજાબ લઈ જઈને ISI ના આ સમગ્ર જાસૂસી નેટવર્કના ઊંડા મૂળ સુધી પહોંચવા વધુ પૂછપરછ હાથ ધરશે.

(9:25 PM IST)