News of Tuesday, 4th August 2026
આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૭ના દ્વિતીય તબક્કાનું સમયપત્રક કેન્દ્ર સરકાર દ્વારા જાહેર: બરફાચ્છાદિત અને દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાથી જ ગણતરીનો પ્રારંભ થશે
ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાય તે પૂર્વે આગામી ૧૭મી ઓગસ્ટથી નાગરિકો માટે ઓનલાઈન સેલ્ફ-એન્યુમરેશન (સ્વ-નોંધણી)ની ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે; લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો માટે વિશેષ કાર્યક્રમ મંજૂર

નવી દિલ્હી:દેશમાં યોજાનારી આગામી ‘વસ્તી ગણતરી ૨૦૨૭’ના અત્યંત મહત્વપૂર્ણ એવા બીજા તબક્કા એટલે કે ‘વસ્તી ગણતરી’ (પોપ્યુલેશન એન્યુમરેશન) સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ‘ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી’ દ્વારા સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશના ભૌગોલિક વાતાવરણ અને વિષમ હવામાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ વખતે આયોજનમાં વિશેષ ફેરફાર કર્યા છે, જેમાં બરફ વર્ષાથી પ્રભાવિત અને દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી વહેલી પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે.
જાહેર કરવામાં આવેલા ટાઈમટેબલ મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ તથા જમ્મુ-કાશ્મીરના અતિશય બરફાચ્છાદિત ક્ષેત્રો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગણતરી હાથ ધરવામાં આવશે. આ પહાડી પ્રદેશોમાં શિયાળા દરમિયાન પડતી ભારે બરફવર્ષા અને રસ્તાઓ બંધ થવાની સ્થિતિને ધ્યાને રાખીને સામાન્ય સમયપત્રક કરતાં વહેલા આ કામગીરી આટોપી લેવાનું સુનિશ્ચિત કરાયું છે.
આ ઉપરાંત, આ વખતની રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણતરીકારો (એન્યુમરેટર્સ) દ્વારા રૂબરૂ ઘરે-ઘરે જઈને આંકડા એકત્રિત કરવાની કામગીરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની વિગતો જાતે જ નોંધાવવાની તક મળશે. આ માટે 'સેલ્ફ-એન્યુમરેશન' (ઓનલાઈન સ્વ-નોંધણી) સુવિધાનો પ્રારંભ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬થી કરવામાં આવશે. આ સુવિધા થકી દેશના નાગરિકો પોતે જ ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના પરિવારની જરૂરી વિગતો સુરક્ષિત રીતે દર્જ કરી શકશે, જેનાથી સમયની બચત થશે અને માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી તથા સચોટ બનશે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
