<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

યોજના સરકારની, મોટો લાભ મંત્રીજીને: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ પોતાના જ મંત્રાલયમાંથી મેળવી ₹૯૯.૬૦ લાખની તોતિંગ સબસિડી!

મંત્રી ભગીરથ ચૌધરી પોતે જે બોર્ડના હોદ્દેદાર ઉપાધ્યક્ષ છે તેમાંથી જ રાજસ્થાનના કાકડીના હાઈટેક ફાર્મ માટે ૫૦% સબસિડી મંજૂર થતાં રાજકારણ ગરમાયું

નવી દિલ્હી : સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારોની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબો, વંચિતો કે મધ્યમ વર્ગના સામાન્ય લાભાર્થીઓને મળતો આપણે જોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે જે વિભાગના મંત્રી હોય, તે જ વિભાગની યોજના હેઠળ મંત્રીજી પોતે જ લાખો રૂપિયાની સબસિડી ઓહિયાં કરી ગયા હોય? દેશના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચાવતો આવો જ એક હેરતઅંગેજ કિસ્સો રાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને તેમના જ મંત્રાલય હેઠળ ચાલતી એક સરકારી યોજનામાંથી અંદાજે ₹૯૯.૬૦ લાખ (લગભગ એક કરોડ રૂપિયા) ની માતબર સબસિડી મળી હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.
આ સબસિડી તેમને રાજસ્થાનમાં આવેલા તેમના પોતાના જ હાઈટેક કાકડીના ખેતર (પોલીહાઉસ પ્રોજેક્ટ) માટે આપવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક અને ચર્ચાસ્પદ બાબત એ છે કે મંત્રી ચૌધરી પોતે આ સરકારી નાણાંને મંજૂરી આપનારા રાષ્ટ્રીય બોર્ડના હોદ્દેદાર ઉપાધ્યક્ષ (એક્સ-ઓફિશિયો વાઈસ પ્રેસિડેન્ટ) છે!
અજમેરના ફાર્મ પર લાગેલું સરકારી બોર્ડ બન્યું ચર્ચાનું કેન્દ્ર
મીડિયા અહેવાલો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પેહ ગામમાં મંત્રી ભગીરથ ચૌધરીનું એક વિશાળ અને આધુનિક ફાર્મ આવેલું છે. આ કૃષિ ફાર્મમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃત્રિમ તળાવો અને ચાર મોટા હાઈટેક પોલીહાઉસ બનાવવામાં આવ્યા છે. આ ફાર્મની બહાર જ ભારત સરકારના નિયમ મુજબ એક મોટું સફેદ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ પર સ્પષ્ટ અક્ષરે લખ્યું છે: "નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB), કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત." આ સાઇનબોર્ડ પર લાભાર્થી તરીકે સ્વયં "ભગીરથ ચૌધરી" નું નામ છે અને સરકાર તરફથી મળેલી ૫૦% સબસિડીની મસમોટી રકમ "રૂ. ૯૯,૬૦,૦૦૦" પણ ડિસ્પ્લે કરવામાં આવી છે. આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.
પોતાના જ મંત્રાલયની યોજના અને હોદ્દાનો પ્રભાવ?
ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીને આ સબસિડી રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) ની પ્રખ્યાત યોજના "બાગાયતી પાકોના ઉત્પાદન અને લણણી પછીના સંચાલન દ્વારા વાણિજ્યિક બાગાયતનો વિકાસ" હેઠળ થોડા મહિના પહેલા જ રિલીઝ કરવામાં આવી હતી. મંત્રીનો આ કાકડીની ખેતીનો આધુનિક પ્રોજેક્ટ કુલ ૧૬,૫૯૨ ચોરસ મીટરની કિંમતી જમીન પર ફેલાયેલો છે. વર્ષ ૨૦૨૫ માં આ સરકારી સ્કીમ હેઠળ દેશભરમાંથી જે ૪૬૭ પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા હતા, તેમાં મંત્રીજીના આ અંગત પ્રોજેક્ટનો પણ સમાવેશ કરી લેવાયો હતો.
બીજી બાજુ, નૈતિકતાનો મુદ્દો એટલે ઉઠ્યો છે કારણ કે સબસિડી મેળવવાના એક મહિના પહેલા જ મંત્રીએ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને સુપરત કરેલા પોતાના વાર્ષિક સંપત્તિ ઘોષણાપત્રમાં (Asset Declaration) પેહ ગામની ખેતીની જમીનનો ઉલ્લેખ તો કર્યો હતો, પરંતુ આ પેન્ડિંગ રહેલા લાખો રૂપિયાના NHB સબસિડી પ્રોજેક્ટ વિશે કોઈ જ માહિતી આપી ન હતી. જોકે, તેમના અંગત મદદગારે આ અંગે બચાવ કરતા કહ્યું કે આગામી સમયમાં આ વિગત જાહેર કરી દેવાશે.
'હું જન્મથી ખેડૂત છું, કંઈ છુપાવ્યું નથી': મંત્રીનો બચાવ
વિવાદ વકરતા કેન્દ્રીય મંત્રીની સત્તાવાર પ્રતિક્રિયા
પોતાની જ યોજનામાં પોતે જ લાભાર્થી બનવાના ગંભીર આક્ષેપો પર પલટવાર કરતા રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ જણાવ્યું હતું કે, "હું કોઈ ઉદ્યોગપતિ નથી, હું એક સાચો ખેડૂત છું અને બાળપણથી જ જમીન સાથે જોડાયેલો છું. દેશના હજારો સામાન્ય ખેડૂતો આવી આધુનિક ખેતી માટે પોલીહાઉસ સ્થાપિત કરે છે અને નિયમ મુજબ સબસિડીનો લાભ લે છે, તો એક ખેડૂત તરીકે મેં પણ એ જ કર્યું છે. મેં મે ૨૦૨૫ માં આ સબસિડી માટે કાયદેસર અરજી કરી હતી. મેં ફાર્મની બહાર મોટું બોર્ડ લગાવીને પારદર્શિતા રાખી છે, જેમાં મને મળેલી લોન અને સબસિડીની તમામ વિગતો જાહેર કરી છે. હું ત્યાં સ્થાનિક ખેડૂતોને નવી ટેકનોલોજી અને ઓર્ગેનિક ખેતીની મફત ટ્રેનિંગ પણ આપું છું. તમામ સ્થાનિક અધિકારીઓએ નિયમ મુજબ સ્થળ તપાસ કરી છે, આમાં કશું જ છુપાવવા જેવું નથી."
વહીવટી નિયમો મુજબ ભલે ચેરમેન કે ઉપાધ્યક્ષ ફંડ મંજૂર કરનારી અંતિમ કમિટી (Sanctioning Committee) ના સીધા સભ્ય ન હોય, પરંતુ જે મંત્રાલયના તેઓ પોતે વડા હોય તેના જ તંત્ર પાસેથી પોતાના માટે કરોડોની સબસિડી પાસ કરાવી લેવી તે 'હિતોના ટકરાવ' (Conflict of Interest) નો મોટો કિસ્સો હોવાનું કહીને રાજકીય વિશ્લેષકો આ મામલાને ગંભીર ગણાવી રહ્યા છે.

(7:59 PM IST)