<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

નામમાં એક વધારાના અક્ષરની ભૂલ પડતાં દેશના સર્વોચ્ચ 'ભારત રત્ન' વિજેતા વિજ્ઞાનીને નોટિસ: પ્રોફેસર સી.એન.આર. રાવને ઓળખ સાબિત કરવા હાજર રહેવા આદેશ

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ગંભીર ક્ષતિ સામે આવી; ૯૨ વર્ષના મહાન વૈજ્ઞાનિકને પોતાની ઓળખ સાબિત કરવા રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા નિર્દેશ મળતાં ભારે ચર્ચા

બેંગલુરુ, તા. ૦૯: દેશના સૌથી નામાંકિત અને પ્રખ્યાત વિજ્ઞાનીઓ પૈકીના એક એવા 'ભારત રત્ન' પ્રોફેસર સી.એન.આર. રાવ (CNR Rao) એક અજીબોગરીબ સરકારી અમલદારશાહીનો ભોગ બન્યા છે. કર્ણાટકમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન તેમના નામની જોડણીમાં ટેકનિકલ ભૂલ સામે આવતાં, તેમને પોતાની ઓળખ સાબિત કરવા માટે રૂબરૂ સુનાવણીની નોટિસ ફટકારવામાં આવી છે.

એક વધારાના અક્ષરે ઊભી કરી મોટી મુશ્કેલી:

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૦૨ની મૂળ મતદાર યાદીમાં તેમનું નામ યોગ્ય રીતે "પ્રોફેસર સી.એન.આર. રાવ" તરીકે જ નોંધાયેલું હતું. પરંતુ, વર્તમાન સમયની સુધારેલી મતદાર યાદીમાં સિસ્ટમની ભૂલને કારણે તેમના નામના સ્પેલિંગમાં એક વધારાનો અક્ષર 'F' ઉમેરાઈ ગયો હતો (Prof. CNR Rao ને બદલે Prof. F CNR Rao). આ ટેકનિકલ વિસંગતતાના કારણે 'સેલ્ફ-નેમ મિસમેચ'નો કેસ બન્યો હતો અને ચૂંટણી તંત્ર દ્વારા તેમને કારણદર્શક નોટિસ જારી કરી દેવાઈ હતી.

૯૨ વર્ષની વયે રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ:

નિયમોનું અંધાનુકરણ કરતાં તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા કેસમાં જે વ્યક્તિના નામે નોટિસ હોય તેમણે જ જાતે હાજર રહેવું પડે છે. પરિણામે, ૯૨ વર્ષની ઉંમર ધરાવતા આ મહાન વૈજ્ઞાનિકને મલ્લેશ્વરમ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) નજીકના કેન્દ્ર પર રૂબરૂ હાજર રહીને પોતાની જ ઓળખનો પુરાવો આપવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજાયેલા પ્રોફેસર રાવે વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે.

અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન સાથે પણ આવો જ કિસ્સો બન્યો હતો:

નોંધનીય છે કે સરકારી પ્રક્રિયાની આવી વિચિત્ર ભૂલનો શિકાર બનનારા પ્રોફેસર રાવ એકમાત્ર મહાનુભાવ નથી. આ અગાઉ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના કિસ્સામાં પણ નામની જોડણીમાં આવી જ ભૂલ સામે આવી હતી. જોકે, પાછળથી ચૂંટણી પંચે વિવાદ ટાળવા અમર્ત્ય સેનને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી. આ ઉપરાંત, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હરેકલા હજબ્બાને પણ આવી જ સીઆર નોટિસ મળતાં ચૂંટણી પંચની ડેટા પ્રોસેસિંગ પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે.

(5:19 PM IST)